ધરમપુરના માકડબનમાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નું આગમન થતા ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યુ

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે અને સરકારની યોજનાઓથી લોકો માહિતગાર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના માકડબન ગામમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન જનના કલ્યાણ માટે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધરમરપુર તાલુકાના માકડબન ગામમાં આવી પહોંચતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્ય નિર્માળબેન કેશવ જાદવે ગ્રામજનોને વિવિધ યોજનાથી માહિતગાર કરી સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રથ દ્વારા ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતના સંકલ્પ અંગેનો સંદેશ નિહાળ્યો હતો. આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ગીતાબેન થોરાટ, ગામના સરપંચ બયજીબેન છગનભાઈ પાનિયા, ધામણી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રાહુલ ગાયકવાડ, ડો. જીનલ સુરતી અને માર્ગ અને મકાન ખાતા (પંચાયત)ના મદદનીશ ઈજનેર શ્વેતલ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા આયોજિત કેમ્પમાં ૮૩ લોકોએ ટીબી અને ૨૩ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. કુલ ૨૭૪ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ૫ લોકોનું રજિસ્ટ્રેશન થયુ હતું. માય ભારત વોલન્ટીયર્સમાં ૬ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ ૬ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાથી પોતાને થયેલા ફાયદા અંગે પ્રતિભાવ જણાવી અન્ય લોકોને પણ સરકારની યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે પગભર થવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સરકારની વિવિધ ૧૭ મહત્વપૂર્ણ યોજનાની માહિતી અને તેના લાભ માટે સરકારના વિવિધ ખાતા દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય ખાતા દ્વારા નવા ૨૨૪ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. જેમાંથી ૬૦ લાભાર્થીને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું. ગામની શાળાના વિદ્યાર્થીઓએ ‘‘ધરતી કહે પુકાર કે…’’ નુક્કડ નાટક રજૂ કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!