ઉમરગામના ઝરોલી ગામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોક કલ્યાણકારી યોજનાની માહિતીની શોર્ટ ફિલ્મ નિહાળી ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવે ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. અંદાજે ૭૫૦૦ની વસ્તી ધરાવતા ઝરોલી ગામમાં દિવસભર ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા.

‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ અંતર્ગત આવાસ યોજના, ઉજ્વલા યોજના અને પોષણ અભિયાન યોજનાના લાભો થકી જીવનમાં આવેલા બદલાવ અંગે લાભાર્થીઓએ પોતે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ સ્થળે સરકારની ૧૭ જેટલી ફલેગશિપ યોજનાના લાગેલા બેનરો, પોસ્ટરોના માધ્યમથી પણ ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી વાકેફ થયા હતા.

કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન ભરતભાઈ તુમાડા, પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, ઉમરગામ મામલતદાર જૈનિશ પાંડવ, ઉમરગામ તાલુકા પંચાયતના માજી પ્રમુખ રમેશ ધાંગડા, ઝરોલી ગામના સરપંચ રેખા જંયતિભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!