ધરમપુરના ફુલવાડીમાં વિકસિત ભારત સંકલ્ય યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, અનેક લાભાર્થીએ સહાય મેળવી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફૂલવાડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સહાય કીટ વિતરણ, લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને નાટક સહિતનો કાર્યક્રમ યોજાયો હતો.
​આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય નિર્મલાબેન જાદવે જણાવ્યું કે, છેવાડાના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભ પહોંચે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે જેના દ્વારા ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને વિવિધ યોજનાના લાભ મળી રહ્યા છે. લોકો આર્થિક રીતે પગભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક હિતકારી પગલાં લેવામાં આવ્યા છે.

​કાર્યક્રમમાં ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન પટેલ, વલસાડ જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશભાઈ બિરારી, ગામના સરપંચ ધીરૂભાઈ કુરકુટીયા, ધામણી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રાહુલ ગાયકવાડ અને ડો. જીનલ સુરતી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

​આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો રથ દ્વારા સૌ એ નિહાળ્યો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી મહત્વની ૧૭ યોજનાઓને આવરી લેતા સ્ટોલ દ્વારા ગ્રામજનોને યોજનાની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૬૨ લોકોએ ટીબી, ૨૦ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ૮૬ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. નવા ૧૧૫ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ગામની શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત અને લોક નૃત્ય રજૂ કર્યુ હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી ધરતી કરે પુકાર… નાટ્ય કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનું મહત્વ સમજાવવા માટે ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!