પડતર માંગણી મુદ્દે વિરોધઃવલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી: હવે આગામી તા. ૧૬ ફેબ્રુ.એ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે, તા. ૨૩ મીએ ગાંધીનગરમાં ધરણાં

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો જેવા કે, જુની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ મુળ અસરથી દૂર કરવી (ફિક્સ પગાર, જ્ઞાન સહાયક અને કરાર આધારિત નિમણૂક) તથા તા. ૧૬-૦૯-૨૦૨૨ના રોજ સરકારશ્રી સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવ માટે બાકી રહેલા પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવ્યું નથી. જેથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની તા. ૪ ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થવાથી તા.૧૪ ફેબ્રુઆરીના રોજથી તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમોનું જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ તા. ૧૪ અને ૧૫ ફેબ્રુ.ના રોજ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ફરજ બજાવશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આહવાનને સમર્થન આપી તા. ૧૪મી ના રોજ વલસાડ જિલ્લાની તિજોરી કચેરી, આરોગ્ય ખાતાની કચેરી, પ્રાથમિક શિક્ષકો, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરી અને કલેકટર કચેરીના વિવિધ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.

હવે આગામી તા. ૧૬ ફેબ્રુ.ના રોજ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી ફરજ બજાવશે. તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં બપોરે ૧૨ થી ૩ કલાક સુધી હાજરી આપશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!