વલસાડની કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમના ૧૦૦ વિદ્યાર્થીઓની ફિનીશીંગ સ્કૂલની તાલીમ શરૂ: ઉચ્ચ શિક્ષણ કેવળ ડિગ્રીઓ પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓએ કૌશલ્ય વર્ધન તરફ વળવું પડશે.

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણને નિયમન કરનારી સંસ્થા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતનો સફળ પ્રકલ્પ ફિનીશીંગ સ્કૂલના બે બેચની શરૂઆત વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે થઈ હતી.
ટી.વાય.બી.કોમના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને ૨૦ દિવસની આ તાલીમમાં વ્યક્તિગત વિકાસ, પર્સનાલીટી ડેવલપમેન્ટ અને અંગેજી વિષયની તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા પ્રિ. ડૉ. ગિરીશકુમાર રાણાએ જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણ કેવળ ડિગ્રીઓ પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓએ કૌશલ્ય વર્ધન તરફ વળવું પડશે અને તે દિશામાં ફિનીશીંગ સ્કૂલ ઉત્તમ પ્રકલ્પ છે. તેમણે બંને બેચના ટ્રેઈનર જ્યોર્જ તુમ્બે તથા જગતસિંઘ પરમારનું પુસ્તક પુષ્પથી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ આ તાલીમ દ્વારા ગંભીરતાપૂર્વક કૌશલ્યની ખીલવણી કરે તે અપેક્ષિત હોવાનું જણાવી તેમણે વિદ્યાર્થીઓને ફિનીશીંગ સ્કૂલમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તાન્ઝાનિયાથી પધારેલા જ્યોર્જ તુમ્બેએ અહીં શિક્ષણ માટે ખુબ સરસ માહોલ હોવાનું જણાવી પોતાનું શ્રેષ્ઠ આપવા માટે સંકલ્પ કર્યો હતો. અન્ય ટ્રેનર જગતસિંઘે આ તાલીમ દ્વારા વિદ્યાર્થીની પ્રતિભામાં ચોક્કસપણે નિખાર આવશે તેમ જણાવી અહીંના પરિસરમાં વ્યક્તિ વિકાસલક્ષી પ્રવુત્તિમાં જોડાવા માટે પોતે આનંદિત હોવાનું જણાવ્યું હતું.

પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર કે.સી.પટેલે વિદ્યાર્થીઓને આવકારી ફિનીશીંગ સ્કૂલ પ્રોગ્રામમાં કોલેજ વીતેલા વર્ષોથી માંડીને હાલમાં પણ ખુબ સારું કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. કુ.નેહલ સોનેજીએ પ્રાર્થના રજુ કરી જયારે મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ફિનીશીંગ સ્કૂલ સહ કો.ઓર્ડીનેટર પ્રા.દિવ્યા ઢીમ્મરે કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!