પુસ્તક પરબમાં આ વખતે નાના બાળકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી: ગુજરાત અને બહારથી પણ મિત્રો, સ્વજનો, વિદ્વાનો અને દાતાઓ દ્વારા પુસ્તક પરબ માટે પુસ્તકો ભેટરૂપે આપવામાં આવી રહ્યા છે.

વલસાડ
વલસાડમાં પુસ્તક વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ‘પુસ્તક પરબ’ના મે મહિનાના આયોજનમાં કુલ ૪૧૭ પુસ્તકોને વાચકો મળ્યા છે. શહેરમાં આ પુસ્તક પરબ દર રવિવારે સવારે ૭:૩૦ થી ૯:૩૦ દરમિયાન બે જાહેર સ્થળોએ નિયમિત રીતે યોજાય છે, જેમાં સર્કિટ હાઉસ સામે તથા એસ.ટી. વર્કશોપ સામે ક્રોમા નજીક ટ્રેન્ડ્સ પાસેના ફૂટપાથ પર આ પરબ યોજાય છે. વહેલી સવારે યોજાતી આ પ્રવૃત્તિમાં વિવિધ વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને પુસ્તક વાંચનની ટેવ વિકસાવી રહ્યા છે.
આ સમગ્ર આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, જે મોટાપોંઢા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે, તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. તેમની સાથે શ્રી હાર્દિક પટેલ (એડવોકેટ નોટરી), હિતેશ પટેલ, ટીના પટેલ, હિતેન પારેખ, દીપક મર્ચન્ટ, કેયુર રોહિત, દિલીપ દેસાઈ, તેજલ પાડવી, અમન ગોહિલ સહિતની ટીમ સક્રિય રીતે જોડાઈ આ પરબને સફળ બનાવી રહી છે. આ આયોજનમાં અસ્મિતા પટેલ, નિષ્ઠા પટેલ અને પંકજ કિનારીવાલા તરફથી પણ મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેના કારણે પુસ્તક પરબ વધુ સુવ્યવસ્થિત અને સફળ બની રહ્યો છે.
તાજેતરના આયોજનમાં નવા વાચકોની સંખ્યા ઓછી હોવા છતાં નાના બાળકોની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી હતી, જેના કારણે આયોજકોમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. આ પરબમાં કુલ અંદાજે ૧૮૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને તેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ દરેક વયના વાચકો ઉત્સાહથી જોડાયા હતા.
પુસ્તક પરબના માધ્યમથી વલસાડ શહેરના પુસ્તકપ્રેમીઓને સરળતાથી પુસ્તકો ઉપલબ્ધ થઈ રહ્યા છે અને વાંચન પ્રત્યેની રૂચિમાં વધારો થઈ રહ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વલસાડ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત અને બહારથી પણ મિત્રો, સ્વજનો, વિદ્વાનો અને દાતાઓ દ્વારા પુસ્તક પરબ માટે પુસ્તકો ભેટરૂપે આપવામાં આવી રહ્યા છે. હાલમાં મુંબઈથી શ્રી રતિલાલ ચૌહાણ દ્વારા પણ પુસ્તકો ભેટરૂપે મળતા પરબ વધુ સમૃદ્ધ બનતો જઈ રહ્યો છે. વાચકો પણ વ્યવસ્થાના ભાગરૂપે પુસ્તકો ગોઠવવામાં અને સમેટવામાં સહયોગ આપી રહ્યા છે, જે આ પરબની વિશેષતા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!