વલસાડ
વાપી-વલસાડમાં એરપોર્ટ NOCની ફરજિયાતીને કારણે ઉદ્યોગ અને વિકાસને અસર પહોંચી રહી છે.
વલસાડ જિલ્લામાં ઉદ્યોગો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસમાં એરપોર્ટ NOC મોટો અવરોધ બની રહી હોવાનું જણાતાં વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. એસોસિએશને વાપી અને વલસાડ જિલ્લામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા લેવામાં આવતી NOC પ્રક્રિયામાં રાહત આપવા તથા ટેક્નિકલ માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાપી અને વલસાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો અને બિઝનેસ પ્રવૃત્તિઓ વધી રહી છે. છતાં અનેક પ્રોજેક્ટો એરપોર્ટ NOCની જટિલ પ્રક્રિયાને કારણે અટવાઈ જાય છે. ખાસ કરીને પર્યાવરણ મંજૂરી મળ્યા પછી પણ એરપોર્ટ NOC મેળવવામાં લાંબો સમય લાગતો હોવાને કારણે વિકાસકર્તાઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
એસોસિએશનનું કહેવું છે કે હાલની પ્રક્રિયામાં નાના-મોટા પ્રોજેક્ટો માટે પણ ડેવલપર્સને NOC માટે લાંબી કાર્યવાહી કરવી પડે છે, જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને રોકાણકારોમાં અનિશ્ચિતતા ઉભી થાય છે. આ પ્રક્રિયા “Ease of Doing Business” પર પણ નકારાત્મક અસર કરે છે.
અંતમાં એસોસિએશને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે વાપી અને વલસાડ જિલ્લામાં એરપોર્ટ NOCની બિનજરૂરી ફરજિયાતી દૂર કરવામાં આવે અને AAIની માર્ગદર્શિકાઓ મુજબ યોગ્ય તથા સરળ નીતિ અમલમાં મુકવામાં આવે, જેથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી શકે અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે.
કયા ઝોનમાં NOC ની જરૂર પડે
એસોસિએશનના પ્રમુખ અશોક મંગેના જણાવ્યા મુજબ AAIના નિયમો મુજબ માત્ર ત્યારે જ એરપોર્ટ NOC જરૂરી બને જ્યારે કોઈ પ્રોજેક્ટ એરપોર્ટની “Obstacle Limitation Surface (OLS)” ઝોનમાં આવે. તેમાં પણ “Inner Horizontal Surface” સામાન્ય રીતે એરપોર્ટથી લગભગ 4 કિલોમીટર સુધી લાગુ પડે છે, ત્યારબાદ “Conical Surface” અને “Outer Horizontal Surface” જેવા ઝોન આવે છે. ઉપરાંત રનવે દિશામાં 15થી 20 કિલોમીટર સુધી “Approach Funnel Zone”નો વિસ્તાર ગણવામાં આવે છે.
90 કિલોમીટર દૂર એરપોર્ટ હોય ત્યારે NOC હોવી ન જોઈએ
વાપી શહેરનું દમણ એરપોર્ટથી અંદાજે 12 થી 15 કિલોમીટર અને સુરત એરપોર્ટથી લગભગ 115 થી 120 કિલોમીટરનું અંતર છે. તેવી જ રીતે વલસાડ જિલ્લો મથક દમણ એરપોર્ટથી 35થી 40 કિલોમીટર અને સુરત એરપોર્ટથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલો છે. આટલા મોટા અંતરે આવેલા વિસ્તારો સામાન્ય રીતે એરપોર્ટના OLS ઝોનમાં આવતા નથી, તેથી દરેક પ્રોજેક્ટ માટે ફરજિયાત NOC લેવાની જરૂરિયાત હોવી જોઈએ નહીં.
