ધો. ૧૨ નું વલસાડ જિલ્લામાં પરિણામ સુધર્યુ: વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦.૩૯ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૭૪.૫૧ ટકા પરિણામ જાહેર

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં સોમવારે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) મુખ્ય પરીક્ષા- ૨૦૨૬નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજ્યનું કુલ પરિણામ ૯૨.૭૧ ટકા આવ્યુ છે જ્યારે વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૦.૩૯ ટકા આવ્યુ છે. જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું પરિણામ કુલ ૮૪.૩૩ ટકા આવ્યુ છે જેની સામે વલસાડ જિલ્લાનું પરિણામ જોઈએ તો, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૪.૫૧ ટકા પરિણામ આવ્યુ છે.
વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ ૧૧૬૧૪ નિયમિત વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૧૧૫૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી ૧૦૪૫૫ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાની ટકાવારી ૯૦.૩૯ નોંધાઈ છે. આ પરિણામ ગત વર્ષ ૨૦૨૫ની તુલનાએ જોઈએ તો ગત વર્ષે જિલ્લાનું પરિણામ ૮૯.૫૨ ટકા આવ્યું હતું. જેની સામે આ વર્ષનું પરિણામમાં ૦.૮૭ ટકાનો વધારો નોંધાયો છે. જિલ્લાનું ગ્રેડ પ્રમાણે પરિણામ પર એક નજર કરીએ તો, જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ગત વર્ષે ૨૪ વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યારે આ વર્ષે ગ્રેડમાં નોંધપાત્ર સુધારો થતા ૫૦ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. એ-૨ ગ્રેડમાં ગત વર્ષે ૪૦૧ વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યારે આ વર્ષે ૪૭૮ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા હતા. બી-૧ ગ્રેડમાં ગત વર્ષે ૧૨૪૮ જ્યારે આ વર્ષે ૧૧૯૨ અને બી-૨ માં ગત વર્ષે ૨૧૪૧ જ્યારે આ વર્ષે ૨૨૧૨ વિદ્યાર્થીઓ આવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૪માં ૯૦.૬૩ ટકા, ૨૦૨૫માં ૮૯.૫૨ ટકા અને ૨૦૨૬માં ૯૦.૩૯ ટકા પરિણામ આવ્યુ છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામની પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આતુરતાપૂર્વક ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આજે રિઝલ્ટ આવતા જ ઉત્સુકતાનો અંત આવ્યો છે. જિલ્લામાં ધો. ૧૨ સાયન્સમાં કુલ ૪૧૧૯ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૪૧૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૦૬૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૭૪.૫૧ ટકા પરિણામ આવ્યુ છે.
જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પરિણામની વાત કરીએ તો, એ-૧ ગ્રેડમાં ગત વર્ષે ૨૧ વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યારે આ વર્ષે ૩૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઝળક્યા છે. જ્યારે એ-૨ ગ્રેડમાં ગત વર્ષે ૧૫૬ જ્યારે આ વર્ષે ૨૨૧ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ગત વર્ષે ૩૨૫ જ્યારે આ વર્ષે ૪૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. બી-૨ ગ્રેડમાં ગત વર્ષે ૪૯૨ જ્યારે આ વર્ષે ૬૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા પરિણામ આવ્યુ છે જ્યારે વલસાડ જિલ્લાનું ધો. ૧૨ સાયન્સનું કુલ ૭૪.૫૧ ટકા પરિણામ આવ્યુ છે. જે છેલ્લા ૨ વર્ષમાં જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. વર્ષ ૨૦૨૪માં ૭૨.૦૧ અને વર્ષ ૨૦૨૫માં ૭૩.૪૭ ટકા પરિણામ આવ્યુ હતું. જયારે આ વર્ષે ૭૪.૫૧ ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષની સરખામણીએ ૧.૦૪ ટકા વધારે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!