વાપીમાં 15 દિવસ સુધી દસ્તાવેજનો ટોકન ન મળતા ત્રીજા “ સબ-રજિસ્ટ્રાર” ની નિમણૂક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત એલર્ટ | વાપી
મહાનગરપાલિકા વાપી વિસ્તારમાં મિલકત દસ્તાવેજ નોંધણી માટે 15 થી 20 દિવસ સુધી એપોઇનમેન્ટ મળતી ન હોવાનું જણાવી વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન (VDREDA) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી વાપીમાં ત્રીજા સબ રજિસ્ટ્રારની નિમણૂંક કરવા માંગ કરી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો શહેરી વિસ્તારોમાં સમાવેશ થતાં નવી નવી કોમર્શિયલ અને રહેણાંક સ્કીમો વિકસિત થઈ રહી છે. જેના કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો વાપીમાં સ્થાયી થઈ રહ્યા છે અને મિલકત ખરીદી-વેચાણના વ્યવહારોમાં નોંધપાત્ર વધારો થયો છે.
હાલની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે લાંબી રાહ જોવી પડે છે. ટોકન મેળવવામાં 15 થી 20 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે, જેના કારણે બિલ્ડરો, ખરીદદારો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દસ્તાવેજ નોંધણીમાં થતા વિલંબની સીધી અસર બેંક લોન, પ્રોજેક્ટના ટાઈમલાઈન અને મિલકત હસ્તાંતરણ પ્રક્રિયા પર પડી રહી છે.
આ ઉપરાંત નોંધણી પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે સરકારને મળતી સ્ટેમ્પ ડ્યૂટીની આવક પર પણ અસર થાય છે. એસોસિએશને વાપીના ઔદ્યોગિક અને રહેણાંક વિકાસને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે અલગ “ સબ-રજિસ્ટ્રાર-3” ની નિમણૂક કરવા માંગ કરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!