વલસાડ જિલ્લામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ૧૧૬ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર એનાયત કરાયા: શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરના શિલ્પી છે

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” અંતર્ગત સમગ્ર શિક્ષા, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્રમજીવી સ્કૂલ ખાતે જ્ઞાન સહાયકોને નિમણૂક ઓર્ડર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના હસ્તે માધ્યમિક વિભાગના ૬૯ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૩, એમ કુલ ૧૧૬ ઉમેદવારોને જ્ઞાન સહાયક તરીકે ૧૧ માસના કરાર આધારિત નિમણૂક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે નિયુક્ત જ્ઞાન સહાયકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરના શિલ્પી છે. જ્ઞાન સહાયક તરીકે આપ સૌ નિષ્ઠા, સમર્પણ અને જવાબદારી સાથે કાર્ય કરી વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન કરો તથા શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપો.
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્ઞાન સહાયક યોજના રાજ્યની શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં સહાયક બનશે.

કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વલસાડ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. તમામ નિયુક્ત ઉમેદવારોએ ઉત્સાહભેર નિમણૂક ઓર્ડર સ્વીકારી ખુશી અનુભવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!