ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને લઈ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરતા આ ઐતિહાસિક વિજયને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પરિસરમાં વિશેષ સભા અને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં જિલ્લાના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાકાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ભાજપના પ્રતિકરૂપે બંગાળની પ્રખ્યાત વાનગીઓ જાલમૂરી તેમજ રસગુલ્લા અને મીઠાઈઓ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ઢોલ-નગારા સાથે નૃત્ય કરી કાર્યકરો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસરમાં ખુશીના માહોલનું સર્જન થયું હતું.

જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી નીતિઓ અને કાર્યકરોની અવિરત મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં જનતાએ ભાજપ પર મૂકેલો વિશ્વાસ એ દર્શાવે છે કે હવે દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને વિકાસવાદની જીત થઈ રહી છે.

આ રીતે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવાયેલો આ વિજયોત્સવ દીવાળી જેવી ખુશી સાથે મનાવવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરોના ઉત્સાહ અને સંગઠન શક્તિ સ્પષ્ટપણે જોવા મળી હતી.
