ગુજરાત એલર્ટ | વલસાડ
શહીદ સૈનિકોની સ્મૃતિમાં તા. ૮ મે થી ૧૪ મે સુધી વલસાડના પારનેરા પારડી ગામે ‘શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ સૈનિકોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ આયોજન હાથ ધરાયું છે. પારનેરા પારડી ગામે હનુમાનજી મંદિર પટાંગણમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ શકશે.
આ કથાનો પ્રારંભ તા. ૮ મે, ૨૦૨૬ના રોજ થશે અને તા. ૧૪ મે, ૨૦૨૬ સુધી સતત ચાલુ રહેશે. દરરોજ સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક સુધી કથાવાચન યોજાશે, જેમાં પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી જયેશભાઈ ત્રિવેદી દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભાવપૂર્વક વર્ણન કરવામાં આવશે. કથામાં દેશપ્રેમ, ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ જન્મ, રામ જન્મ અને વામન જન્મ જેવા પાવન પ્રસંગો તા. ૧૧ મેના રોજ ઉજવાશે, જ્યારે ગોવર્ધન પૂજા તા. ૧૨ મેના રોજ અને રૂકમણી વિવાહ તા. ૧૩ મેના રોજ ઉજવાશે. અંતિમ દિવસે તા. ૧૪ મેના રોજ સુદામા ચરિત્રના વર્ણન સાથે કથાનો સમાપન થશે. દરેક દિવસે કથાના વિરામ બાદ રાત્રે ૮:૦૦ કલાકે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે, જેથી તમામ ભક્તોને પ્રસાદનો લાભ મળી શકે.
આયોજક રાજેશ્રીબેનના જણાવ્યા મુજબ આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શહીદ સૈનિકોની યાદમાં સમાજમાં દેશપ્રેમની ભાવના મજબૂત બને અને તેમની બલિદાનગાથા લોકો સુધી પહોંચે. સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર થાય અને સમાજમાં સદભાવના વધે તે માટે સૌ કોઈને ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જોડાઈ આદ્યાત્મિક લાભ મેળવે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે.
