ખેરગામમાં ૨૮૦ બોટલ રક્તદાન સાથે આહીર સમાજની સેવાભાવનાની અનોખી પહેલ: રૂ. ૫૧ લાખના દાતાની રક્તતુલા કરાઈ

ગુજરાત એલર્ટ | ખેરગામ
ચીખલી ખાતે ખેરગામ તાલુકા આહીર સમાજ વિકાસ કેળવણી મંડળ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં સમાજના યુવાનો, આગેવાનો અને સેવાભાવી દાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ કુલ ૨૮૦ બોટલ રક્તદાન કર્યું હતું. સમાજની એકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યક્રમમાં આહીર સમાજની વાડી માટે રૂ. ૫૧ લાખનું દાન કરનાર યોગેશભાઈ કાનજીભાઈ આહીરની રક્તતુલા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ અને દંડક ધવલભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ સહિત આહીર સમાજના અનેક રાજકીય, સામાજિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજના સેવાભાવી દાતાઓ દ્વારા સમાજહિત માટે ઉદાર સહયોગની જાહેરાત કરવામાં આવી હતી. જીતેન્દ્રભાઈ ખાપાભાઈ આહીર, બલવાડા, ચીખલી દ્વારા આહીર સમાજની વાડી માટે રૂ. ૧૫ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ભરતભાઈ છીબાભાઈ આહીર, કછોલી (યુ.એસ.એ.) દ્વારા રૂ. ૨,૫૧,૦૦૦નું દાન જાહેર કરવામાં આવ્યું હતું.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ખેરગામ તાલુકા આહીર સમાજ વિકાસ કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ આહીર, તમામ ટ્રસ્ટીઓ તથા સમાજના યુવાનોએ અથાગ મહેનત કરી હતી. આયોજનથી લઈને રક્તદાન માટે સમાજના લોકોને જોડવા સુધી યુવાનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. મોટી સંખ્યામાં સમાજના યુવાનો સ્વયં આગળ આવી રક્તદાન કરતા સમગ્ર કેમ્પ સેવાભાવનાથી ગુંજી ઉઠ્યો હતો.

૨૮૦ બોટલ રક્ત એકત્ર થવું એ સમાજની સંગઠિત શક્તિ અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. રક્તદાન કરનાર તમામ યુવાનો, સમાજના આગેવાનો, દાતાઓ અને સહયોગીઓને આહીર સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, રક્તદાન એ માત્ર રક્ત આપવાની પ્રક્રિયા નથી, પરંતુ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદનું જીવન બચાવવાની માનવતાભરી સેવા છે. આ ભાવનાને સાર્થક કરતા આહીર સમાજના યુવાનો અને દાતાઓએ મોટી સંખ્યામાં જોડાઈ સમાજની સેવાભાવનાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!