ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ કલવાડા ખાતે શ્રી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમા સ્વાતંત્ર્ય દિવસ ઊર્જાસભર માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવાયો. આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કલવાડા ગામના ભૂતપૂર્વ સરપંચ આશિષભાઈ તથા તેમના ધર્મપત્ની વૈશાલીબેન તથા શાળાના ટ્રસ્ટી ડાયરેક્ટર અને આચાર્ય દેવેન્દ્ર પાટીલ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન, રાષ્ટ્રગીત અને ઝંડા ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, કાવ્ય પઠન, દેશભક્તિ જાગૃત કરતું નાટકની મનોહર રજૂઆત કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. ઉપરાંત “દેશભક્તિ રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
શાળાના આચાર્યએ પોતાના આશીર્વચન વક્તવ્યમાં આઝાદી માટે થયેલા બલિદાનની યાદ અપાવી અને નવા ભારત નિર્માણ માટે વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર અને સંકલ્પ સાથે આગળ વધવા પ્રેરણા આપી.

શાળાની પ્રગતિ માટે સતત ચિંતનશીલ રહેનાર અને અથાગ પ્રયત્નો કરનાર દેવેન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકવૃંદ અને અન્ય કર્મચારીઓ તથા વાલીઓના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતે “ભારત માતા કી જય”ના ગુંજતા નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
