ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી. વિદ્યાલય, અટાર ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અતુલ લિમિટેડના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાતાશ્રી અને નવસર્જન કેળવણી મંડળના પ્રમુખશ્રી ભીખુભાઈ દેસાઈના ભાઈ શ્રી આઝાદભાઈ દેસાઈ, મંડળના પ્રમુખશ્રી ભીખુભાઈ દેસાઈ, ઉપપ્રમુખશ્રી બળવંતભાઈ, મનીષાબેન દેસાઈ તથા કમિટી સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન શ્રી ગૌતમભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીતેન્દ્ર ટંડેલ, વિદ્યાર્થીની દિયા નાયકા, દાતાશ્રી શ્રી આઝાદભાઈ દેસાઈ, પ્રમુખશ્રી ભીખુભાઈ દેસાઈ તથા મુખ્ય મહેમાન શ્રી ગૌતમભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પ્રામાણિકતા, જ્ઞાનપ્રાપ્તિ, ધ્યેયસિદ્ધિ માટેની અથાગ મહેનત અને રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યો અપનાવી દેશના આદર્શ નાગરિક બની રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
મંડળના પ્રમુખશ્રી ભીખુભાઈ દેસાઈ દ્વારા સ્વાગત ગીત રજૂ કરનાર વિદ્યાર્થીનીઓ તથા પ્રાસંગિક વક્તવ્ય આપનાર વિદ્યાર્થીની દિયા નાયકાને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી ધીરુભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શાળાના શિક્ષક શ્રી નિનાદ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત મહેમાનો, શિક્ષકગણ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ સાથે મળીને નાસ્તો કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને આનંદસભર રીતે પૂર્ણ કરી હતી.
