ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા, ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજની યુવા પેઢી વર્તમાન સમયમાં પુસ્તકાલયમાં વાંચન કરી સારા નાગરિકો બને અને દેશના વિકાસ કાર્યોમાં જોડાય એ માટે “યુવા સંવાદ” નો કાર્યક્રમ ગ્રંથાલય ખાતા ગુજરાત રાજ્યના નિયામક શ્રી ડો. પંકજપુરી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિવિધ સરકારી લાઈબ્રેરીમાં “યુવા સંવાદ કાર્યક્રમ ” યોજાય રહ્યા છે. જે પૈકી સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરથી પસંદગી પામેલા ડો.ભાવેશભાઈ વાળા (પ્રોફેસર, સરકારી કોલેજ, દમણ) તથા આમંત્રિત મહેમાન તરીકે ડો.હેમંતભાઈ પટેલે યુવા સંવાદમાં હાજર રહી યુવા, યુવતીઓને ભવિષ્યમાં ચોક્કસ ધ્યેય નક્કી કરી જીવનમાં પ્રગતિ કરી પોતાના પરિવાર, સમાજમાં ઉપયોગી થવાય એની સમજ આપી હતી. યુવા, યુવતીઓ જોડે વાર્તાલાપ કરી એમના પ્રશ્નો, ભવિષ્યના ધ્યેયની ચર્ચાઓ કરી આવનાર સમયમાં કોઈ તકલીફ હોય તો મદદરૂપ થવાની ખાત્રી આપી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈને સરકારી, બિન સરકારી કચેરીઓમાં કર્મચારીઓ, અધિકારીઓ બનીને સમાજની સેવા કરો એવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પુસ્તકાલયના યુવા વાચક, સભ્ય ગણેશ નિશાળે કર્યું હતું અને આભાર વિધિ લાઈબ્રેરીના મદદ. ગ્રંથપાલ પૂનમબેન જોશીએ કરી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા પુસ્તકાલયના સ્ટાફે તથા વાચકો, યુવા યુવતીઓએ જહેમત ઉઠાવી હતી.
