દિવાસાના પર્વે ધરમપુરમાં આદિવાસી સમાજની ‘‘નાળિયેર ટપ્પા રમત’’ની પરંપરા આજપર્યંત જીવંત: આદિવાસી ભેરૂઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરે છેઃ ડો. હેમંત પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
દિવાસો શરૂ થતા જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી અને દેવદિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે.

આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો ‘‘નાળિયેર ટપ્પાનો રમોત્સવ’’ આ દિવસે રમે છે. જે આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ધરમપુરમાં દિવાસાના દિવસે ખેલાતા ટપ્પા રમોત્સવને ‘‘ટપ્પા યુધ્ધ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દિવાસાની ઉજવણી કરવા માટે ધરમપુરના સમડી ચોક ખાતે આદિવાસી સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન ડો. હેમંત પટેલ જણાવે છે કે, દિવાસાનો દિવસ આદિવાસી સમાજ માટે ઉત્સવનો દિવસ છે. અષાઢી મહિનાના અંતિમ દિવસ એટલે કે અષાઢી અમાસે દિવાસો ઉજવાય છે. આદિવાસી ભેરૂઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરવાની પરંપરા નિભાવે છે. ગામડામાં ઢીંગલા ઢીંગલીને શણગારી વાજતે ગાજતે આદિવાસી વાદ્યો સાથે લગ્નના ગીત ગાતા ગાતા નદીમાં તરતા મુકવાની પણ પરંપરા હજુ સુધી જીવંત છે. આદિવાસી સમાજમાં વિવિધ તહેવારોની ઉજવણીનો પ્રારંભ પણ દિવાસા સાથે થાય છે. ધરમપુરના સમડી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આદિવાસીઓ નાળિયેર ટપ્પા દાવની રમત રમે છે. જે પરંપરાગત ઉત્સવ છે. નાળિયેરને પવિત્ર માની આદિકાળથી ટપ્પા દાવ રમત રમાઈ છે. પહેલા ધરતી માતાને નાળિયેરનું પાણી અર્પણ કરી તુટેલા નાળિયેર પ્રસાદી તરીકે વહેંચે છે. અહીં દરેક વર્ગના લોકો આ રમતમાં ભાગ લે છે. આજની નવી પેઢીના યુવાનો માટે આ ટપ્પા રમત પોતાની સંસ્કૃતિનું ગૌરવ સમાન ગણાય છે.

નાળિયેર ટપ્પા દાવની રમત શું છે તે અંગે વધુ વિગત આપતા ડો. હેમંત પટેલ જણાવે છે કે, આ રમતમાં બે લોકો ભાગ લે છે. જેમાં એક વ્યકિત પોતાનું નારિયળ હાથમાં પકડી રાખે છે અને બીજો વ્યકિત પોતાના નારિયળ વડે સામે વાળાના નારિયળ ઉપર ટપ્પો મારે છે. જેનું નારિયળ ફૂટી જાય તે સ્પર્ધક હારી જાય છે અને તેનુ નાળિયેર વિજેતાને આપી દે છે. આ સમયે અન્ય લોકો બંને પક્ષને જીતાડવા માટે ઉત્સાહ વધારે છે. ધરમપુરમાં રાજા રજવાડાના સમયથી આ રમત ચાલી આવી છે. આદિવાસી સમાજમાં એવી લોકવાયકા છે કે, આ ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ રહેલો છે. ધરમપુર અને તેના આસપાસના વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ અહી આવે છે એક બીજાને મળે છે અને ટપ્પા રમત રમી દિવાસાના તહેવારની ઉજવણીનો અનેરો લ્હાવો લે છે. આદિવાસી સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા માટે દર વર્ષે આ ટપ્પા રમત રમે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!