વાપીના સલવાવમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરમાં મતદાનના મહત્વને લઇ નાટક ભજવાયું: ‘‘નહી કરીએ મતદાન, તો થશે બહુ મોટુ નુકસાન, માય વોટ, માય ફ્યુચર અને પાવર ઓફ વન વોટ’’ ના બેનરોથી જાગૃતિ ફેલાવી

ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના સલવાવ ખાતે શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે મતદાનના મહત્વ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક રજૂ કરાયું હતું.
નાટક દ્વારા મતદાન શા માટે જરૂરી છે ? તે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ મતદાન જાગૃતિ ઉપર વિદ્યાર્થી ઉત્તમ ટાંક અને ઓમ દામા દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ દ્વારા પણ મતદાન કરવું એ દેશના દરેક નાગરિકની મૂળભૂત ફરજ હોવાનું જણાવી તા.૭ મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પોત પોતાના મતનો ઉપયોગ દરેક નાગરિક કરે એ માટે વિદ્યાર્થીઓને પણ ઘરની આસપાસના દરેક મતદારોને જણાવવા માટે અપીલ કરી હતી અને મતદાન જાગૃતિને લઈને વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો કર્યા હતા. નહી કરીએ મતદાન, તો થશે બહુ મોટુ નુકસાન, માય વોટ, માય ફ્યુચર અને પાવર ઓફ વન વોટ ના બેનરો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, એકેડમિક ડાયરેકટર ડો. શૈલેશ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાયએ અભિનંદન પાઠવ્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!