વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિ હાથ ધરાઈ, કામદારો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળોએ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા જીઆઈડીસીમાં વિવિધ સ્થળોએ, ગ્રામ પંચાયતો અને શાળાઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તા. ૧૮ એપ્રિલ, ગુરૂવારના રોજ વાપી અને પારડીના ઔદ્યોગિક એકમોમાં વિવિધ કંપનીના કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સિવાય વાપીની અજીત પલ્પ અને પેપર મિલમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે જ તેઓને મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહી તે ચેક કરવા, મતદાન કઈ તારીખે અને કયાં મતદાન કરવા જવાનું છે, બુથનું નામ અને નંબરથી માહિતગાર હોવા જોઈએ અને તા. ૭ મે ના રોજ મતદાન કરવા માટે રજા મળશે તે બાબતે માહિતી આપવામાં આવી હતી.

કામદારોને ‘‘હું અવશ્ય મતદાન કરીશ’’ એ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ‘દરેક મત છે મહત્વનો’, ‘નથિંગ લાઇક વોટિંગ, વોટ ફોર સ્યોર’ના બેનરો અને રંગોળી દ્વારા મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ધરમપુરના નટવર પાર્કમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!