વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાને વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી: નાગરિકોને રાષ્ટ્રહિત માટે ૩૧ મે ૨૦૨૬ સુધી જન ગણનાની પ્રક્રિયામાં જોડાઈ સ્વ-ગણતરી કરવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે.
કલેક્ટરશ્રીએ વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે.

મોબાઈલથી કેવી રીતે કરાશે સેલ્ફ-એન્યુમેરેશન, સમજો સરળ સ્ટેપથી
સેલ્ફ-એન્યુમેરેશનની પ્રક્રિયા જેમાં પ્રાથમિક રજિસ્ટ્રેશન થશે, જેમાં નાગરિકોએ વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને ૧૦ આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે. પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. બાદમાં વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે, જેમાં ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. બાદમાં ડેટા એન્ટ્રી અને ફાઈનલ સબમિશન કરવાનું રહેશે, જેમાં વસ્તી ગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. બાદમાં પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. જરૂર પડ્યે તેને એડિટ કરી શકાશે, પછીથી સબમિટ કરવા માટે ડ્રાફ્ટ તરીકે સેવ પણ કરી શકાશે અથવા ફાઈનલ સબમિટ કરી શકાશે.
ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે ૧૧ આંકડાનો યુનિક ‘SE ID’ જનરેટ થશે, જે મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. જ્યારે વસ્તી ગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે. જો આ આઈડી ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્ફર્મ ગણાશે, અન્યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!