વલસાડમાં સાસુ જમાઈના પ્રેમનો કરૂણ અંજામ: જમાઈએ સાસુની હત્યા કરી લાશ ફેંકી દીધી

ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ રેલવે સ્ટેશન નજીકના નાળામાંથી ડી-કમ્પોઝ હાલતમાં મળી આવેલી અજાણી મહિલાની લાશ પાછળ એવી હચમચાવી નાખે તેવી કહાની છુપાયેલી હતી કે, જેને સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ. પરંતુ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ અંધ હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતા સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
ગત ૧૬ મેના રોજ અતુલ ગામના ઘાસીયાવાડી વિસ્તારમાં, રેલવેના ઇલેક્ટ્રિક સબ સ્ટેશન પાછળ આવેલા નાળામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. મૃતદેહ એટલો ખરાબ હાલતમાં હતો કે શરૂઆતમાં ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. મહિલાના ગળા, હાથ અને પગ લીલા રંગની સાડીથી બાંધેલા હતા અને માથા-મોઢાના ભાગે લોહીના નિશાન દેખાતા હતા. સમગ્ર ઘટનાએ હત્યાની શંકાને વધુ ગાઢ બનાવી હતી.
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયા બાદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરત રેન્જના આઈજી પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે બનાવ સ્થળ આસપાસના CCTV ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન નાળાની આસપાસથી માનવ લોહીના ચિન્હો, તૂટેલી બંગડીઓ, ચપ્પલ અને ડિસમિસ જેવા હથિયાર મળી આવતા કેસ વધુ ગંભીર બન્યો હતો.
મૃતક મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશની રહેવાસી અને હાલ અતુલમાં રહેતી માયાદેવી પિતાંબર પાસવાન તરીકે થઈ હતી. તે અતુલની એક કંપનીમાં ગાર્ડનમાં કામ કરતી હતી અને હરીયા ગામમાં ભાડાના રૂમમાં એકલી રહેતી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે માયાદેવીનો જમાઈ ભોજકુમાર વારંવાર તેના રૂમ પર આવતો જતો હતો. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ તપાસ આગળ ધપાવી અને આખરે ભોજકુમાર રમેશકુમાર પાસી નામના આરોપીને વલસાડ ટાઉન વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી હકીકતો તો ફિલ્મી કહાનીને પણ પાછળ છોડી દે તેવી હતી. આરોપી ભોજકુમારે વર્ષ ૨૦૨૩માં માયાદેવીની દીકરી સાથે લગ્ન કર્યા હતા. બોઇસર ખાતે રહેતા દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ ગેરકાયદેસર સંબંધને કારણે આરોપી અને તેની પત્ની વચ્ચે મતભેદ વધતા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ માયાદેવી અતુલ ખાતે રહેવા આવી ગઈ હતી, પરંતુ બંને વચ્ચેનો સંપર્ક યથાવત રહ્યો હતો.
આ દરમિયાન આરોપી ભોજકુમારે ઉત્તર પ્રદેશની બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ માયાદેવી તેને સતત ફોન કરી મળવા બોલાવતી અને તેની નવી પત્નીને પણ બંનેના સંબંધોની જાણ કરી દેતા આરોપી મુશ્કેલીમાં મુકાયો હતો. આખરે ભોજકુમારે માયાદેવીને પોતાના રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો હતો.
આ હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની ઝડપી અને સુનિયોજિત કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં સફળતા મળી છે.

જમાઈએ હત્યા પહેલા પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા
૧૪ મેની સાંજે માયાદેવીએ આરોપીને અતુલ ખાતે મળવા બોલાવ્યો હતો. બંને રેલવે સ્ટેશન નજીકના ગરનાળામાં મળ્યા હતા. ત્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ માયાદેવીએ ફરી લગ્ન કરવાની જીદ પકડી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલા આરોપીએ પહેલા માયાદેવીના છાતીમાં જોરદાર મુક્કો માર્યો, પછી ગળું દબાવી દીધું અને બાદમાં ડિસમિસ તથા પથ્થર વડે માથામાં ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સાડી વડે હાથ-પગ અને ગળું બાંધી લાશને નાળામાં ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!