ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના કાર્ડિયાક સર્જરી વિભાગે કાર્યરત થયાના માત્ર ૧૪ મહિનાની ટૂંકી અવધિમાં 100થી વધુ અદ્યતન ઓપન-હાર્ટ તેમજ મિનિમલ ઇન્વેસિવ “કી-હોલ” હૃદય સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક સફળતા સાથે જ કસ્તુરબા હોસ્પિટલ વલસાડ શહેરમાં પોતાની જાતનું પ્રથમ અને અદ્યતન કાર્ડિયાક સર્જરી કેન્દ્ર બની ગયું છે.
હૃદય રોગ સારવાર ક્ષેત્રે નોંધપાત્ર માઇલસ્ટોન
એપ્રિલ 2025માં શરૂ થયેલા કાર્ડિયાક સર્જરી વિભાગે રેકોર્ડ સમયમાં નીચે મુજબની જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે: 110થી વધુ ઓપન-હાર્ટ સર્જરીઓ, 15થી વધુ મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરીઓ(MICS/MICAS), 25થી વધુ અદ્યતન લેસર વેરિકોઝ વેઇન્સ સર્જરીઓ.
આ ઉપરાંત, ડિસેમ્બર 2022થી કાર્યરત કાર્ડિયોલોજી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 4,000થી વધુ કાર્ડિયોલોજી પ્રક્રિયાઓ (Procedures) સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેનાથી 12,000થી વધુ દર્દીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આયુષ્માન ભારત (PMJAY) હેઠળ જટિલ હૃદય સર્જરી તદ્દન મફત
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કસ્તુરબા હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ હોસ્પિટલ વલસાડ શહેરની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આયુષ્માન ભારત – PMJAY યોજના હેઠળ વ્યાપક કાર્ડિયાક સર્જરી માટે માન્યતા ધરાવે છે. આ યોજના હેઠળ જટિલ મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરીઓ પણ નિયમો અનુસાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે, ESIC અને વિવિધ મેડિકલ ઇન્શ્યોરન્સ (TPA) કંપનીઓ સાથે સંલગ્ન હોવાથી પાત્ર દર્દીઓને અહીં કેશલેસ સારવારનો લાભ મળે છે.
હવે હૃદય સર્જરી માટે સુરત કે મુંબઈ જવાની જરૂર નથી
વૈશ્વિક અનુભવ ધરાવતા વરિષ્ઠ પૂર્ણકાલીન નિષ્ણાત તબીબોની ટીમ અને અત્યાધુનિક ઓપરેશન થિયેટર તેમજ ICU જેવા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે હવે વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને જટિલ હૃદય સર્જરી માટે સુરત કે મુંબઈ જેવા મહાનગરો સુધી લંબાવવું પડતું નથી. ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય કાર્ડિયક કેર હવે દર્દીઓને પોતાના જ શહેરમાં ઉપલબ્ધ થઈ ગઈ છે.
હોસ્પિટલના પ્રમુખ શ્રી કિરણભાઈ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી અપૂર્વભાઈ અર્જુનભાઈ દેસાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે આ અભૂતપૂર્વ સિદ્ધિને “વલસાડ માટેની તબીબી ક્રાંતિ” ગણાવી છે.
તેમણે આ સફળતા માટે હોસ્પિટલની પૂર્ણકાલીન નિષ્ણાત તબીબી ટીમ— ડૉ. વિરલ ટંડેલ (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. કપિલ પટેલ(વૈશ્વિક સ્તર અનુભવ ધરાવતા કાર્ડિયાક સર્જન), ડૉ. પર્થિક નાઈક(કાર્ડિયાક એનસ્થેશિયોલોજિસ્ટ) અને ડૉ. કેતુલ રાવલ (ફિઝિશિયન અને ક્રિટિકલ કેર નિષ્ણાત) સહિતના સ્ટાફની દર્દીકેન્દ્રિત સેવાની વિશેષ પ્રશંસા કરી છે.
સેવાના 82 વર્ષ પૂર્ણ કરી 83મા વર્ષમાં મંગલ પ્રવેશ
નોંધનીય છે કે, ૧ જૂન,૧૯૪૪ ના રોજ માત્ર 6 પથારી સાથે એક નાનકડી માતૃત્વ સેવા સંસ્થા તરીકે શરૂ થયેલી આ હોસ્પિટલ આજે પોતાની ૮૨ વર્ષની ગૌરવશાળી સેવાયાત્રા પૂર્ણ કરી ૮૩ મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે.
વાર્ષિક 1 લાખથી વધુ દર્દીઓના જીવનને સ્પર્શતી કસ્તુરબા હોસ્પિટલ હવે દક્ષિણ ગુજરાતમાં કાર્ડિયક કેર, વાસ્ક્યુલર સર્જરી અને હૃદય સર્જરી ક્ષેત્રે “ *સેન્ટર ઑફ એક્સલન્સ”* બનવા તરફ મજબૂત કદમ વધારી રહી છે.
“કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ – 82 વર્ષથી વિશ્વાસ અને સેવાની પરંપરા સાથે હવે દક્ષિણ ગુજરાતના હૃદયની ધબકાર બનતું અદ્યતન કાર્ડિયાક સર્જરી કેન્દ્ર.”
