ગુજરાત એલર્ટ | વલસાડ
દક્ષિણ ગુજરાતની પ્રતિભાઓને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પોતાની કળા રજૂ કરવા માટે મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે ઉડાન – ધ વિંગ્સ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 12મા વર્ષે “વલસાડ્સ ગોટ ટેલેન્ટ-2026“નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્થાપક ડૉ. જાનકી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 11 અને 12 જુલાઈ, 2026ના રોજ વલસાડના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે યોજાયેલા આ બે દિવસીય ટેલેન્ટ ફેસ્ટિવલમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 893 સ્પર્ધકો અને કલાપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ વર્ષે કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ પણ સહ-આયોજક તરીકે જોડાયું હતું. બે દિવસ દરમિયાન સિંગિંગ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેઇંગ, વેસ્ટર્ન ડાન્સ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, સેમી ક્લાસિકલ ડાન્સ તેમજ ટ્રેડિશનલ ફેશન શો સહિત કુલ છ વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના અનેક શહેરો અને તાલુકાઓમાંથી આવેલા પ્રતિભાશાળી સ્પર્ધકોએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમની શરૂઆત અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી બની હતી. જલારામ મનોવિકાસ કેન્દ્રના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી. તેમના ઉત્સાહભર્યા પ્રદર્શનને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. ત્યારબાદ તમામ બાળકોનું મંચ પર સન્માન કરી તેમને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.

સ્પર્ધાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે બીલીમોરાના નિલેશભાઈ પટેલ, વલસાડના ભવીબેન ગજ્જર અને નવીનભાઈ પટેલ, નવસારીના નીતુબેન, મુંબઈના ઇશાબેન શાહ તથા વાપીના દીપકભાઈ નોનિયર નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાશ્રીઓ અને સ્પોન્સર્સે ઉદાર સહયોગ આપ્યો હતો. જેમાં શાંતિ પીસ ફાઉન્ડેશન (યુએસએ)ના કીર્તિભાઈ પટેલ, જલારામ ફાઇનાન્સના ઠાકોરભાઈ ઢીમર, વિકેરના વિરલભાઈ બલસારા, એક્સેલના અજીતભાઈ પટેલ, નેચર ટ્રાવેલ્સ લિન્કના નિલયભાઈ ખરા, યુગ સ્ટુડિયોના ભરતભાઈ મહેતા તથા કેઆરએફના રાકેશભાઈ ચૌહાણનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. આયોજકોએ તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સમાપન સમારોહમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-F2ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લાયન્સની કુલ 13 ક્લબો – વલસાડ તિથલ રોડ, પાનોલી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, અંકલેશ્વર સિટી, સુરત નકોડા, સુરત રિવરસાઇડ, વાપી આલ્ફા, ઉદવાડા સંજીવની, બારડોલી, વાપી સેન્ટ્રલ, ભીલાડ આરાધના, વાપી ગ્રેટર, વાપી ઇન્ટીગ્રેટેડ અને વાપી ડ્રિમ – દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે આયોજક ડૉ. જાનકી ત્રિવેદીએ તમામ સ્પર્ધકો, વાલીઓ, નિર્ણાયકો, કલાગુરુઓ, દાતાશ્રીઓ, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “વલસાડ્સ ગોટ ટેલેન્ટ” છેલ્લા 12 વર્ષથી દક્ષિણ ગુજરાતના 3 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત મંચ પૂરું પાડી રહ્યું છે. આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય આયોજન સાથે હજારો યુવાનોને પોતાની કળા પ્રદર્શિત કરવાની તક આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે ઉડાન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની પ્રતિભાઓને નવી ઓળખ અને નવી ઉડાન આપતું એક સશક્ત સામાજિક અને સાંસ્કૃતિક અભિયાન છે.
