ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર ઉપલબ્ધ કરાવવા હેતુસર નવતર પહેલના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આ વેચાણ કેન્દ્ર દર મંગળવારે સવારે ૧૦ કલાકથી નિયમિત રીતે કાર્યરત રહેશે. વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું અહીં સીધું વેચાણ કરી શકશે. જિલ્લાના દરેક ખેડૂતોને કલેકટર કચેરીમાં પોતાની પ્રાકૃતિક ખેત પેદાશને વેચાણ કરવા માટેની તક મળે તે માટે રોટેશન પ્રમાણે ત્રણ – ત્રણ ખેડૂતોને તક આપવામાં આવશે. વેચાણ માટે વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેમ કે, અનાજનો લોટ, આયુર્વેદિક પાવડર, હળદર વગેરે અન્ય પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવશે.

વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેલા આ વેચાણ કેન્દ્રમાં અનેક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે, જેના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળે છે અને સરકારી અધિકારી-કર્મચારીઓને પૌષ્ટીક અને તાજી શાકભાજી અને ખેતપેદાશો મળી રહી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે છે. આ વેચાણ કેન્દ્ર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને પ્રાકૃતિક ખેતીના પ્રસાર-પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
