ગુજરાત એલર્ટ | વલસાડ
ઉડાન – ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તા. 11 જુલાઈ, 2026ના રોજ વલસાડના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે ‘સપ્ત સેવા સંગમ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાન અંતર્ગત યોજાયેલા વિશાળ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પમાં કુલ 372 દર્દીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન જનરલ મેડિકલ ચેકઅપ, આંખોની તપાસ, દાંતની તપાસ, પંચકર્મ સારવાર તેમજ વિવિધ લેબોરેટરી ટેસ્ટ સહિતની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત તમામ લાભાર્થીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર તેમજ યોગ્ય તબીબી માર્ગદર્શન મળી શક્યું હતું.
આ સમગ્ર સેવા અભિયાનના આયોજનમાં ઉડાન – ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક ડૉ. જાનકી ત્રિવેદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે RMD વાગલધરાની ટીમ તેમજ ડૉ. નાઇલ દેસાઈની ટીમે નિઃસ્વાર્થ સેવાભાવ સાથે કામગીરી બજાવી હતી. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-F2ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ સહિત લાયન્સના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે લાયન્સની કુલ 13 ક્લબો – વલસાડ તિથલ રોડ, પાનોલી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, અંકલેશ્વર સિટી, સુરત નકોડા, સુરત રિવરસાઇડ, વાપી આલ્ફા, ઉદવાડા સંજીવની, બારડોલી, વાપી સેન્ટ્રલ, ભીલાડ આરાધના, વાપી ગ્રેટર, વાપી ઇન્ટીગ્રેટેડ તથા વાપી ડ્રિમ – દ્વારા સેવા કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર સારવાર મળી રહે તેવા હેતુથી આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ વધુ વ્યાપક સ્તરે આરોગ્ય અને સમાજસેવાના વિવિધ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
