વલસાડના રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળામાં પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓને ભોજન અપાયું: સ્વજનની સ્મૃતિને સેવાકીય કાર્ય સાથે જોડવી એ સાચી શ્રદ્ધાંજલિ છે, જે અન્યોને પ્રેરણા આપે છે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે સ્વર્ગસ્થ લલિતાબેનની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિશ્રી મોહનભાઈ બલવાડા નિવાસી (હાલ વલસાડ) ના સૌજન્યથી કપરાડા અને ધરમપુર વિસ્તારની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમજ સ્થાનિક વિધાર્થીઓ માટે બપોરના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ લલિતાબેનના પતિશ્રી મોહનભાઈ, પુત્રશ્રી કેયુરભાઈ, પુત્રી કિંજલબેન, પુત્રવધૂ બીજલબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ લલિતાબેનના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તથા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, “સ્વજનની સ્મૃતિને સેવાકીય કાર્ય સાથે જોડવી એ સાચી શ્રદ્ધાંજલિ છે. વિદ્યાર્થીઓને ભોજન કરાવવાનો આ સુંદર ઉપક્રમ સમાજમાં માનવતા, કરુણા અને સેવાના સંસ્કારોને પ્રેરણા આપે છે.”

ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ પ્રેમ અને આત્મીયતા સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સ્વર્ગસ્થ લલિતાબેનના દિવ્ય આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓના સહયોગથી ભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આવા સેવાકીય કાર્યો સમાજમાં પરોપકાર, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!