યુપીની ૨૧ વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્યો. બહેનને ઝાંસી મુકી પરત ઘરે ફરતી વેળા ભલતી જ ટ્રેનમાં બેસી ગઈ હતી.

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ મહિલા અને બાળ અધિકારીની કચેરીના તાબા હેઠળ કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા ૨૧ વર્ષીય યુવતીને આશ્રય માટે તેમજ આગળની કાર્યવાહી માટે સેન્ટર પર લાવવામાં આવી હતી. જેથી તેને વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સેન્ટર સંચાલક દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેણી ગભરાયેલી હોવાથી કંઈ પણ માહિતી આપવા તૈયાર ન હતી. તેની પાસેથી ફોન મળી આવતા પૂછપરછ કરતા જણાવ્યું કે, ઘરે ભાઈ- ભાભી અને બહેન- જીજાજી પણ છે. જેથી તેઓનો ટેલીફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે, તેઓ ઉત્તરપ્રદેશના લલિતપુર ગામના વતની છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવતી તેમની બહેનને મુકવા લલિતપુરથી ઝાંસી ગઈ હતી ત્યાર બાદ રેલવે સ્ટેશનથી ઘરે પરત જવા માટે ભૂલમાં કોઈ ભલતી જ ટ્રેનમાં બેસી ગઈ હતી અને વાપી આવી પહોંચી હતી. ત્યારબાદ પોલીસ તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ આવી હતી. તેમનો પરિવાર પણ શોધખોળ કરી રહ્યો હોવાથી તેઓ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે આવી યુવતીને જોતા જ પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ સેન્ટર સંચાલક દ્વારા તેમની સાથે વાતચીત કરી આધાર પુરાવા લઇ તેણીનો કબજો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તેમના પરિવારજનોએ મહિલાને સાચવવા બદલ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ખરા અર્થમાં “સખી” વન સ્ટોપ સેન્ટર મહિલાઓ અને યુવતીઓ માટે આર્શીવાદ સમાન બન્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!