વલસાડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાયો: વંદે માતરમનું સામૂહિક ગાન, ડોક્યુમેન્ટરી અને સંઘર્ષ ગાથાની નાટ્ય પ્રસ્તુતિ બાદ સાંજે કેન્ડલ માર્ચ પણ નીકળી

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

‘‘વિભાજનની વેદનાને સ્મરીએ, બલિદાનને નમન કરીએ’’ ટેગલાઈન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિભાજનની કરૂણ યાદોને સ્મરી, તેનો ભોગ બનેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને નમન કરવામાં આવ્યા હતા.

સાથે જ આવનારી પેઢીને ઈતિહાસની આ કરૂણ ઘટનાથી પરિચિત કરાવી શાંતિ, એકતા અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પબધ્ધ થાય તે માટે વિભાજન વિભીષિકા વિષયક ડોક્યુમેન્ટરીની પ્રસ્તુતિ કરાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત ‘‘વંદે માતરમ…’’ના સામૂહિક ગાનથી કરાઈ હતી. વિભાજનની યાતના કેટલી દર્દનાક હતી તેનું વર્ણન કરતુ ‘‘વિભાજનઃ એક આતંક’’ વિષય પર નાટક રજૂ કરાયું હતું.

૮ દાયકા પહેલા વિભાજનની યાતનાને પગલે ભારતમાં હિજરત કરનાર પરિવારના યુવકે પોતાના નાના અને દાદા પાસેથી સાંભળેલી વિભાજનની સંઘર્ષ ગાથાની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ મોડી સાંજે મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી કેન્ડલ માર્ચનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હિમાંશુ સોલંકી, વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, વલસાડ ગ્રામ્ય મામલતદારશ્રી વિકાસ વાઘેલા, સિટી મામલતદારશ્રી તૃપ્તિબેન ગામીત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. રાજેશ્રીબેન ટંડેલ, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંઘ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિમાલીબેન જોષી સહિતના અધિકારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!