ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના વશીયર ખાતે આવેલા શાંતિવન રિસોર્ટના બેન્કવેટ હોલમાં દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓનો ‘‘મીડિયા એવોર્ડ સમારંભ’’ યોજાયો હતો.

મીડિયા કર્મીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આયોજિત મીડિયા એવોર્ડ સમારંભ તથા વલસાડના વ્યક્તિ વિશેષના સન્માન સમારંભને સંબોધતા નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ એવોર્ડ સમારોહ મીડિયા મિત્રોનો સ્નેહમિલન સમારોહ છે, જે દક્ષિણ ગુજરાતના મીડિયા મિત્રોના સારા સંસ્કારના દર્શન કરાવે છે. પત્રકારો સરકાર સુધી સાચી માહિતી પહોંચાડે છે જેથી તંત્ર જાગતુ રહે છે. પોઝિટિવ પત્રકારત્વથી હંમેશા સમાજને ફાયદો થાય છે. ઘણીવાર મીડિયા મારફતે સરકારને સચોટ માહિતી મળતી હોય છે. આપણા વિસ્તારમાં હેટ (નફરતવાળુ) જર્નાલિઝમ નથી જે બિરદાવવા લાયક છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મીડિયા જગત સાથે સહજ રીતે વર્તી દેશ અને રાજ્યનો વિકાસ કરી રહ્યા છે.

સમારંભના મુખ્ય મહેમાન અને નવજીવન ન્યૂઝના એડિટર તેમજ વરિષ્ઠ પત્રકારશ્રી પ્રશાંત દયાળે જણાવ્યું કે, આપણે સારા પત્રકારની સાથે સારા માણસ કેવી રીતે બનીએ તે રોજ વિચારવુ જોઈએ. કોઈ કૌભાંડ પકડવાને બદલે કોઈને હોસ્પિટલમાં સારવાર કે કોઈને સ્કૂલમાં એડમિશન મળે તેવા સેવાકીય કાર્યો કરવાની જરૂર છે પરંતુ આજે આપણે સમાચારની હરીફાઈમાં જીવી રહ્યા છે. જેના કારણે મીડિયા જગત આજે વિશ્વસનીયતા ગુમાવી રહ્યુ છે જે ચિંતાનો વિષય છે. પહેલાના સમયમાં એવુ હતુ કે, પેપરમાં જે સમાચાર આવે તે ધાર્મિક ગ્રંથો જેટલા પવિત્ર માનવામાં આવતા હતા, ખરેખર આપણે આત્મમંથન કરવાની જરૂર છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી દયાળે એવોર્ડ મેળવનાર પત્રકારોને શીખ આપતા જણાવ્યું કે, આ એવોર્ડ એ માત્ર એવોર્ડ નથી પરંતુ એક જવાબદારી છે જેનું વહન કરવાની જવાબદારી તમારી છે. આપણા મનમાં કોઈના પ્રત્યે રહેલી કડવાશ કે પ્રેમ સમાચારમાં ક્યારેય આવવા જોઈએ નહી. દરેક વખતે દરેક ઘટના સમાચાર હોતી નથી. દેશને સંકટમાંથી ઉગારવાનું કામ પત્રકારોએ કરવાનું છે. વધુમાં શ્રી દયાળે એવોર્ડ સમારંભના આયોજકોને સફળ પત્રકારની સફળતા પાછળ જવાબદાર માતા અથવા પત્નીનું પણ સન્માન કરવુ જોઈએ એવી સલાહ આપી હતી.

વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે પત્રકારોને વંદન કરતા જણાવ્યું કે, લોકશાહીના ચાર સ્તંભ પૈકી ચોથો સ્તંભ પત્રકારો છે. જો ત્રણમાંથી કોઈ એક સ્તંભની સિસ્ટમમાં કોઈ ભૂલ હોય તો ચોથો સ્તંભ તેને ઉજાગર કરી લોકો સુધી પહોંચાડે છે. પત્રકાર માત્ર સમાચાર નથી આપતા પણ સમાજનો અવાજ રજૂ કરે છે, લોકોને જાગૃત કરે છે, જે પોતાની વાત રજૂ નથી કરી શકતા તેઓની વાત રજૂ કરે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ સ્પષ્ટ અભિગમ છે કે, પત્રકારો નેગેટીવ બતાવે તો ખોટુ ન લગાડવુ પરંતુ પોઝિટિવ ફીડબેક તરીકે લઈ કામ કરી આગળ વધવુ જોઈએ.

વધુમાં સાંસદશ્રીએ મીડિયા દ્વારા મળેલી કેટલીક માહિતીનો ઉલ્લેખ કરી પોઝિટિવ જર્નાલિઝમ અંગે જણાવ્યું કે, આપણા વિસ્તારની ખ્યાતનામ હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે તે માટે પત્રકારોએ ઝીણવટપૂર્વક મને માહિતી આપતા લોકસભામાં રજૂ કર્યો હતો અને હવે કાર્યવાહી ચાલી રહી છે. આ સિવાય નેપાળમાં ફસાયેલા પારડી પરિવારને તેમજ હાલમાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકાના યુધ્ધ વચ્ચે વલસાડ- નવસારી જિલ્લાના ૭૧ માછીમારો ઈરાનમાં ફસાયા હોવાની માહિતી મીડિયા દ્વારા મળતા તેઓને વતન લાવવામાં સફળતા મળી હતી. આ તમામ કિસ્સામાં પત્રકારોની જાગૃત્તતા બિરદાવવાને પાત્ર છે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ગુજરાત સંગઠનના પ્રદેશમંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ સમારંભમાં દક્ષિણ ગુજરાતમાંથી મીડિયા કર્મીઓની ૩૦૦ જેટલી એન્ટ્રી આવી હતી. કુલ ૭ વિવિધ કેટેગરીમાં ૫૬થી વધુ મીડિયા કર્મીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ સિવાય ચાર કોલમીસ્ટ, બે વ્યકિત વિશેષ અને બે સેવાભાવી સંસ્થાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, મામલતદાર (સિટી) તૃપ્તી ગામીત, જિલ્લા પંચાયતની પારડી સાંઢપોર બેઠકના સભ્ય સ્નેહલ પટેલ, અગ્રણી આનંદ પટેલ, બિલ્ડર એસો.ના પ્રમુખ અશોક મંગે, પારડી સાંઢપોરના સરપંચશ્રી ધર્મેશ (ભોલા) પટેલ અને જિલ્લા સંગઠનના માજી ઉપપ્રમુખ જીતેશ પટેલ સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન એસો.ના પ્રમુખશ્રી હર્ષદ આહિરે કર્યુ હતું. સમારંભની રૂપરેખા પ્રોજેક્ટ ચેરમેનશ્રી અપૂર્વ પારેખે આપી હતી. જ્યારે આભારવિધિ વરિષ્ઠ પત્રકારશ્રી બ્રિજેશ શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગોદડુંગરી પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ડો.ખુશાલી ભંડારીએ કર્યુ હતું.
