આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે: જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે તા. ૧૫ ઓગસ્ટે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સવારે ૯:૦૦ વાગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં થશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે પાર પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. તમામ તૈયારીઓ પૂર્ણ થતા તા. ૧૪ ઓગસ્ટે સવારે ૯ કલાકે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રિયલ ટાઈમ રિહર્સલ કરાયું હતું.

રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરી અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નાગરિકો સરળતાથી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે વહીવટીતંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેક્ટરશ્રી નીતિન સાંગવાન દ્વારા જિલ્લાની વિવિધ સંસ્થાઓ તથા નાનાપોંઢાના નગરજનોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!