વલસાડ તિરંગાની રોશનીથી ઝળહળી ઊઠ્યું, દેશભક્તિના રંગે રંગાયું શહેર: રોશનીથી ઝળહળતી સરકારી ઇમારતો વલસાડવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની: રોશનીના શણગારથી લોકોમાં ઉત્સાહ, રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યેના ગૌરવની અનુભૂતિ થઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો રંગબેરંગી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. ખાસ કરીને વલસાડ કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન-૨, જનસેવા કેન્દ્ર, સિટી પોલીસ સ્ટેશન, હોમગાર્ડ કચેરી, માર્ગ અને મકાન વિભાગની કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા કોર્ટ તેમજ વલસાડ રેલવે સ્ટેશન સહિતની સરકારી ઇમારતો તિરંગાના ત્રણ રંગો—કેસરી, સફેદ અને લીલા રંગની ઝગમગતી રોશનીથી શોભી ઊઠી છે.

સરકારી કચેરીઓ પર કરવામાં આવેલા આ આકર્ષક રોશનીના શણગારે સમગ્ર વલસાડ શહેરને દેશભક્તિના રંગમાં રંગી દીધું હોય તેવો મનમોહક માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે તિરંગાના રંગોની રોશનીથી ઝળહળતી સરકારી ઇમારતો વલસાડવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા વલસાડવાસીઓ તિરંગાના રંગોમાં ઝળહળતા વલસાડ શહેરના અદભુત નજારાને પોતાના મોબાઇલ કેમેરામાં કંડારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

જેના થકી વલસાડવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ અને વલસાડવાસી હોવાનો ગર્વ વધુ પ્રબળ બન્યો છે. આ શણગાર માત્ર રોશની પૂરતો સીમિત ન રહેતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉત્સાહ, રાષ્ટ્રપ્રેમ અને ‘તિરંગા પ્રત્યેના ગૌરવ’ની સુંદર અનુભૂતિ વલસાડવાસીઓને કરાવી રહ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!