બે બસ વચ્ચેની ટક્કરમાં બસ ડ્રાઇવરનાં મોત પાછળ જવાબદાર કોણ? ડ્રાઇવર કે એસ.ટી. નાં અધિકારીઓ?

ગુજરાત એલર્ટ | વલસાડ
જેને આપણે સલામત સવારી માનીએ છે એવી બે એસટી બસો સામ સામે અથડાઈ અને જેના ખભે મુસાફરોની જાનની જવાબદારી છે તે ડ્રાઇવરે દુનિયા છોડી જવું પડ્યું. ચીખલી તાલુકાના ખૂડવેલ ગામે આ ઘટના બન્યા બાદ બસની સક્ષમતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વલસાડ ડેપોની એસટી બસ ચલાવી શકાય તેવી ન હોવાનું ડ્રાઇવરે જણાવ્યું હોવા છતાં એસ.ટી.ના સત્તાધીશોએ ડ્રાઇવરને બસ લઈ જવા માટે ફરજ પડાઈ હોવાની ભારે ચર્ચા ઉઠી છે. ત્યારે આ ડ્રાઇવરના મોત માટે એસટીના અધિકારીઓ તો જવાબદાર નથીને? તેવા સવાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યાં છે.

આ બનાવની મળતી વિગત એવી છે કે ચીખલી ફડવેલ ઉમરકુઈ માર્ગ ઉપર ખુડવેલ ગામની હદમાં મંગળવારે સવારે આશરે ૬-૩૦ વાગ્યાની આસપાસ બીલીમોરાથી પીપલખેડ જતી એસટી બસ (નં. જીજે-૧૮-ઝેડ-૩૮૩૯) ચાલક વિજય નારણભાઈ આહિર (ઉ.વ.આ.૪૪) (રહે,કલવાડા ચાર રસ્તા, તા.જિ.વલસાડ) પોતાની બસ હંકારીને લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન ઉમરકુઈથી વલસાડ જઈ રહેલી એસટી બસ નં. જીજે-૧૮-વાય-૨૬૦૪ ના ચાલક હિતેશ મગનભાઈ આહિર (રહે,અટક પારડી, તા.જિ.વલસાડ) એ પોતાની બસ ગફલતભરી રીતે હંકારીને સામેથી આવતી એસટી બસ સાથે અથડાવી દેતા અકસ્માતમાં બીલીમોરા પીપલખેડ બસના ચાલક વિજય આહિરને ગંભીર ઈજા પહોચાડતા તેને તબીબી સારવાર મળે એ પહેલા જ દર્દનાક મોત નિપજયુ હતુ. અકસ્માતમાં ઉમરકુઈ વલસાડ બસમાં સવાર ૧૫ જેટલા મુસાફરોને તથા બીલીમોરા પીપલખેડ બસમાં સવાર એકમાત્ર મુસાફરને ચીખલીની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ તેમજ લીમઝર પીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા ચીખલીના પીઆઈ બી.એમ.ચૌધરી, પીએસઆઈ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

ડ્રાઇવરે બસ ચલાવવાં લાયક ન હોવાનું જણાવવા છતાં તેને લઈ જવાં ફરજ પડાઈ હોવાની ચર્ચા

ઘટનાની પોલીસ ફરીયાદ બીલીમોરા પીપલખેડ બસના કંડકટર બાલુભાઈ ભીખાભાઈ કોળી પટેલે નોધાવતા ચીખલી પોલીસે ઉમરકુઈથી વલસાડ આવતી બસના ચાલક હિતેશ મગનભાઈ આહિર સામે ગુનો નોંધ્યો છે. ખરેખર એક બસનો ડ્રાઇવર બીજી બસનાં ડ્રાઇવરનાં મોત માટે જવાબદાર છે કે પછી એસટીના અધિકારીઓ જવાબદાર છે તે તપાસ માંગી લેતો પ્રશ્ન છે. ચીખલી રેફરલ હોસ્પિટલમાં જે વાતો રજૂ થઈ હતી તે મુજબ ખરેખર આ બસ ચલાવવા લાયક હતી કે કેમ તેની ચર્ચા શરૂ થઈ છે. ડ્રાઇવરે જણાવવા છતાં આ બસ પર જવા તેને ફરજ પડાઈ હોવાની એસ.ટી. કર્મચારીઓમાં ચર્ચા છે. ત્યારે સાચું શું છે તે તપાસ કર્યા બાદ જ માલૂમ પડશે. ઘટના સ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ અકસ્માત સમયે આ બસ એક તરફ ખેંચાઇ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે જો આ ચર્ચામાં તથ્ય હોય તો એસ.ટીના અધિકારીના વાંકે જ એસ.ટી.ના જ ડ્રાઇવર વિજયભાઈ આહિરે જીવ ગુમાવવો પડયો છે એમ કહીએ તો વધારે પૂરતું નથી. આ મામલે ચીખલી પોલીસે નિષ્પક્ષ તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી ભોગ બનનારના પરિવારને ન્યાય આપવો જરૂરી છે.

સમયસર બહાર કઢાયા હોત તો કદાચ વિજયભાઈ બચી ગયા હોત

ઘટના સ્થળે હાજર ખુડવેલ ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે બંને બસો સામ સામે અથડાતાં મીની બસના ડ્રાઇવર વિજયભાઈ આહીર તેમની સીટ પર જ દબાઈ ગયા હતા. તેમના પેટના ભાગે સ્ટેરીંગ દબાઈ ગયું હતું. જ્યારે કમરથી નીચેનો ભાગ પણ ફસાઈ ગયો હતો. આવી સ્થિતિમાં વિજયભાઈને બહાર કાઢી શકાયા ન હતા. લોકોએ પ્રયત્ન કરવા છતાં તેમને બહાર કાઢી ન શકાતા ટ્રેક્ટરની મદદ વડે બસનો આગળનો ભાગ દોરડાથી બાંધી ખેંચાયા બાદ લગભગ અડધો કલાક પછી વિજયભાઈને બહાર કાઢવામાં આવતા તેમનું દર્દનાક મોત નિપજ્યું હતું. તેમને સમયસર સારવાર મળી હોત તો કદાચ આજે તેઓ બચી ગયા હોત!

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!