ઘણાં અધિકારી એવાં હોઈ છે કે તેમની બદલી થાય તો લોકો કહે છે કે ભલે જતો, જાય તો સારું: નિવૃત્તિ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીનું વક્તવ્ય

ખેરગામ મામલતદાર જે.કે. સોલંકીને વયનિવૃત થતાં અપાયું વિદાયમાન: વાંસદાનાં પ્રાંત અધિકારી ડી. આઇ. પટેલે આ વાત કહી અધિકારીઓ કેવાં હોઈ તેનાં પરથી પરદો ઉઠાવ્યો

ગુજરાત એલર્ટ | ખેરગામ
“ઘણાં અધિકારી એવાં હોઈ છે કે તેમની બદલી થાય તો લોકો કહે છે કે ભલે જતો, જાય તો સારું. અને કોઈ અધિકારી એવાં હોઈ કે તેઓ વિદાય લે ત્યારે દુઃખ થાય છે.” નવસારી જિલ્લાનાં ખેરગામનાં મામલતદાર જે. કે. સોલંકીના વિદાય સમારંભમાં વાંસદાનાં પ્રાંત અધિકારી ડી. આઇ. પટેલે આ વાત કહી અધિકારીઓ કેવાં હોઈ તેનાં પરથી પરદો ઉઠાવ્યો હતો.

૩૮ વર્ષ ૭ મહિનાની નોકરી બાદ વયનિવૃત થયેલાં ખેરગામના મામલતદાર જીતુભાઈ સોલંકીના વિદાય સમારંભ પ્રસંગે વાસદાના પ્રાંત અધિકારી ડી. આઇ. પટેલએ અધિકારીઓ બે પ્રકારના હોય છે એમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મને ખુશી એ વાતની છે કે તેઓ નિવૃત્ત થઈને પરિવારને સમય આપશે અને દુઃખ એ વાતનું થાય છે કે સારા અધિકારી સરકારમાંથી વિદાય લઇ રહ્યા છે. ઘણા અધિકારી એવા હોઈ કે તેઓ ની બદલી થાય કે વિદાય લે ત્યારે લોકો કહે છે કે ભલે જતો, જાય તો સારું. પરંતુ જે કે સોલંકી તેમાંના નથી. તમારી હાજરી બતાવે છે કે એમનું વ્યક્તિત્વ કેવું હતું. દરેકની નોકરીમાં 4 બ જોડાયેલા હોય છે. બદલી, બઢતી, બરતરફી અને બદનામી. અમારાં માટે એમાંનાં 3 બ બહુ અઘરા હોઈ છે. આ 3 બ ને સફળતાં પૂર્વક પાર કરીને તેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે તે આનંદની વાત છે. આવું બહુ ઓછા ઓફિસરો કરી શકે છે. એમણે એવું કોઈ કામ નથી કર્યું કે તેમની સામે આંગળી ચિંધાઈ શકે. સ્ટાફે એમના પરથી પ્રેરણા લઈ શીખવું પડશે કે કેવી રીતે લોકોને સારી સેવા આપી શકાય.

આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલે કહ્યું કે કોઈ પણ કર્મચારી નોકરીએ લાગે ત્યારે જ નિવૃત્તિની તારીખ નક્કી થઈ જાય છે. કોઈ પણ કર્મચારીને ખરાબ લાગે એવું કહેણ એમનાં મોંમાંથી નીકળ્યું નથી. નાયબ મામલતદાર સેહુલ પટેલે ચૂંટણી પ્રક્રિયામાં સતત માર્ગદર્શન આપી જવાબદારી સોંપી તેમણે ઘણું શીખવાડ્યું હોવાનું કહ્યું હતું. ખેરગામના પી.એસ.આઇ ડી.આર. પઢેરિયાએ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમનો હંમેશા હસતો ચહેરો જ જોવા મળે જે આપણને પણ પ્રેરણા આપે છે એમ કહ્યું હતું.

આ પ્રસંગે ખેરગામના ટીડીઓ વિમલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, શૈલેષ ટેલર, પ્રશાંતભાઈ પટેલ, સરપંચ એસો. પ્રમુખ મનોજ પટેલ, અંકુર શુક્લ, કરસનભાઈ પટેલ, સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!