ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોને ડેવલપ કરવા અંગે ધારાસભ્યોશ્રી રમણભાઇ પાટકર, શ્રી ભરતભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ સહિત અધિકારીઓની મળેલી બેઠકમાં વિવિધ પાસાઓની છણાવટ કરવામાં આવી હતી. જેમાં સર્વપ્રથમ તીથલ, નારગોલ અને ઉમરગામ બીચને સુદઢ બનાવવા આવશે. જેમાં પ્રવાસીઓને એકટીવીટી, બોટિંગ, પેરાસેલિંગ જેવી પ્રવૃતિ સેફટી સાથે કરી શકે તેવી સુવિધા રાજય સરકાર અને લોકભાગીદારીથી ઉભી કરાશે.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ માટે પ્રાંત, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની કમિટી બનાવી, કાર્યવાહી કરવામાં આવશે. આ માટે છ માસમાં ટેન્ડર સહિતની તમામ કામગીરી પુર્ણ કરી, એજન્સી નિયત કરવામાં આવશે. સ્થળોની મુલાકાત કરીને સુદઢ આયોજન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.
કલેકટરે તીથલ દરિયા કિનારે મોટા પત્થરો ખસી ન જાય તે માટે કાયમી ઉકેલ લાવવા પ્લાન બનાવવા પણ સંબંધિત અધિકારીને સુચના આપી હતી સાથે સ્વામીનારાયણ મંદિર થી તીથલ સુધી વેધરપ્રુફ બ્યુટીફિકેશન કરવા પણ સુચન કરાયું હતું. તેમણે પ્રવાસન સ્થળોએ કોઇપણ ગંદકી ન થાય તે માટે કડક સુચનાઓ સાથે દંડનીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં ભીલકાઇ માતાનું મંદિર ભિલાડ અને કલગામ મંદિરનો વિકાસ, ધરમપુરના પાંચ મંદિરોમાં સોલાર રૂપટોપની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે ફતેપુરા કપરાડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પણ વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
