વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારણા માટે ‘ઉત્કર્ષ ૩.૦’ કાર્યક્રમ યોજાયો: ઓછુ પરિણામ ધરાવતી કુલ ૩૮ શાળા વર્ગ-૨ના અધિકારીઓને દત્તક સોંપી પરિણામ સુધારણા માટે માઇક્રો-પ્લાનિંગ કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
શૈક્ષણિક ગુણવત્તામાં વધારો તેમજ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામોમાં સુધારો લાવવાના હેતુથી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના ઉપક્રમે શેઠ આર.જે. હાઇસ્કૂલ ખાતે ‘ઉત્કર્ષ ૩.૦’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણ નિરીક્ષકો, વર્ગ-૨ના અધિકારીઓ, સરકારી, અનુદાનિત અને બિનઅનુદાનિત શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષણવિદોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડૉ. બિપિનભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતાં માર્ચ–૨૦૨૬માં યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં જિલ્લાના પરિણામોનું વિગતવાર આંકડાકીય વિશ્લેષણ રજૂ કર્યું હતું. ખાસ કરીને ૫૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી તથા ૫૦થી ૮૦ ટકા વચ્ચેનું પરિણામ મેળવનારી શાળાઓના પરિણામોમાં ગુણાત્મક સુધારો લાવવા માટે માઇક્રો-પ્લાનિંગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ૫૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓના આચાર્યશ્રીઓ પાસેથી છેલ્લા ત્રણ વર્ષના પરિણામોની સમીક્ષા, ઓછા પરિણામ પાછળના વાસ્તવિક કારણો તથા આગામી બોર્ડ પરીક્ષામાં પરિણામ સુધારવા માટે હાથ ધરાનારા ચોક્કસ પગલાં અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ, આવી શાળાઓના સતત શૈક્ષણિક માર્ગદર્શન અને મોનિટરિંગ માટે દરેક ઓછા પરિણામ ધરાવતી શાળાને જિલ્લા શિક્ષણ વિભાગના વર્ગ-૨ના અધિકારીઓને દત્તક (મેન્ટર) તરીકે સોંપવામાં આવી હતી. જેમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૫ અને ધો. ૧૦ની ૨૩ શાળાનો સમાવેશ થાય છે. વર્ગ –બેના અધિકારીઓ નિયમિત મુલાકાતો, શૈક્ષણિક માર્ગદર્શન, પ્રગતિની સમીક્ષા અને જરૂરી અનુસરણ દ્વારા આ કુલ ૩૮ શાળાના પરિણામોમાં ગુણાત્મક સુધારો લાવવા માટે કામગીરી કરશે.
કાર્યક્રમ દરમિયાન ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવનારી શાળાઓના આચાર્યશ્રીઓએ પોતાના સફળ આયોજન, અસરકારક શૈક્ષણિક અભિગમ, સ્માર્ટ વર્ક અને શ્રેષ્ઠ કામગીરીના અનુભવો અન્ય શાળાઓ સાથે વહેંચ્યા હતા, જેથી અન્ય શાળાઓને પણ ગુણવત્તાસભર પરિણામો માટે પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે.
અધ્યક્ષસ્થાનેથી સંબોધનમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યું કે, શાળાનું સકારાત્મક વાતાવરણ, શિક્ષકોનું સમર્પિત માર્ગદર્શન અને સુવ્યવસ્થિત આયોજન વિદ્યાર્થીઓની સફળતાનો આધારસ્તંભ છે. દરેક બાળકમાં અનંત ક્ષમતા રહેલી છે. યોગ્ય દિશા, સતત માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક પ્રયાસો દ્વારા દરેક શાળા ઉત્તમ પરિણામ હાંસલ કરી શકે છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ નિરીક્ષક અપેક્ષાબેન પટેલે પણ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટેના વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યાં હતાં. શેઠ આર.જે. હાઇસ્કૂલના આચાર્યા શ્રીમતી ફાલગુનીબેન દેસાઈએ સૌનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના અંતે વર્ષ–૨૦૨૭ની બોર્ડ પરીક્ષાઓમાં વલસાડ જિલ્લાની તમામ શાળાઓ વધુ ઉત્તમ પરિણામ હાંસલ કરે તેવા મક્કમ સંકલ્પ સાથે સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!