ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાના તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે “સમર્થ શિક્ષણ સંમેલન 3.0”નું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને તમામ વર્ગ-૨ ના આચાર્યશ્રીઓએ એ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલન દરમિયાન જિલ્લાના દરેક શાળાના માર્ચ– ૨૦૨૬ની એસ.એસ.સી. તથા એચ.એસ.સી. જાહેર પરીક્ષાના પરિણામોનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી શૈક્ષણિક વર્ષના પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા માટે શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવનાર કામગીરીની સમીક્ષા અને આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ– ૨૦૨૦ (NEP-૨૦૨૦), HPC સહિતના વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ પર શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ પરિણામ માટે સૌ શિક્ષકોને સમર્પિત ભાવથી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. સાથે જ આગામી શૈક્ષણિક વર્ષ માટે તમામ શિક્ષકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
સંમેલન દરમિયાન ડ્રોપઆઉટ, બેક ટુ સ્કૂલ અભિયાન, પ્રી-સર્વે અને પોસ્ટ-સર્વે જેવી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને તેના અસરકારક અમલીકરણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સાથે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક વિભાગના ૭ શિક્ષકો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૯ શિક્ષકોને જિલ્લા આંતરિક ફેરબદલીનો લાભ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી તેજલબેન પટેલ દ્વારા સૌનું સ્વાગત કરી કાર્યક્રમના ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી રાકેશભાઈ સુથાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુચારુ રીતે સંપન્ન થયો હતો.
