વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી: ઓછું અનાજ આપતા સસ્તા અનાજના દુકાનદારો સામે કડક કાર્યવાહી થશે -કલેકટરશ્રી: અધિકારીઓને હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા અનુરોધ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેકટરશ્રી નીતિન સાંગવાને અધિકારીઓને અરજદારોના અરજીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી ઝડપથી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
કલેકટરાલયના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણભાઇ પાટકરના દ્વારા સસ્તા અનાજના દુકાનધારક દ્વારા ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદને લઇ, કલેકટરે રજુઆતને ધ્યાને લઇ ઓછું અનાજ આપતા સસ્તા અનાજના દુકાનધારકો સામે તપાસ હાથ ધરી, કડક કાર્યવાહી સાથે દુકાન લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુચના આપી છે. તેમણે જણાવ્યું કે, જો અનાજનો જથ્થો ઓછો આવે તો ગામની વિજિલન્સ કમિટીએ ચકાસણી કર્યા બાદ જ જથ્થો સ્વીકારવો જોઇએ. જિલ્લામાં કોઇપણ સસ્તા અનાજની દુકાનમાં ઓછો જથ્થો આપવા અંગે કોઇપણ ફરિયાદ આવશે તો તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે.
ધારાસભ્યે બોરીગામ ગામે મંજુર થયેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બાંધકામ અંગે રજુઆત કરતાં સબંધિત અધિકારીએ ટૂંક સમયમાં જમીન ફાળવણી અંગે કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે ડહેલી ઝરીપાડા ખાતે રસ્તો ખુલ્લો કરવા તેમજ ટ્રાયબલ સબપ્લાન કચેરી દ્વારા સમયસર ડાંગર કીટ આપવા રજુઆત કરી હતી.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે હનમતમાળ ખાતે ૧૧ માં નાણાં પંચમાં મંજુર થયેલ કોમ્યુનિટી હોલના કામ બાબતે રજુ કરતાં તાલુકા વિકાસ અધિકારીએ કામગીરી પુર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જયારે બામટી લાલડુંગરી ખાતે મંજુર થયેલ કોમ્યુનિટી હોલની કામગીરી ઘણા લાંબા સમયથી ખોરંભે પડી છે. તેવી રજુઆત કરતાં કાર્યપાલક ઇજનેરશ્રી જતીન પટેલે નવી ટેન્ડર પ્રક્રિયા થઇ છે અને નવ માસમાં કામગીરી પુર્ણ કરવા ખાતરી આપી હતી.
ધારાસભ્યે ધરમપુર નગરમાં આવેલી માજી રાજબા કન્યા શાળા જે રાજાના સમયની ધરોહર છે તેની જાળવણી અને હેરીટેજમાં લેવા અંગે રજુઆત કરી હતી. કલેકટરશ્રીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઝડપથી કાર્યવાહી કરી, તેમને જાણ કરવા સુચના આપી હતી. ધારાસભ્યશ્રીએ એસટી બસ સેવા, વિયર કમ કોઝવે અને ટેલીફોન સેવા સહિતના પ્રશ્રો રજુ કર્યા હતા.

બેઠકમાં વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લાને લોકભાગીદારીથી સ્વચ્છ અને સુંદર બનાવાશે
વલસાડ નગરપાલિકાની કામગીરી બિરદાવી જિલ્લા કલેકટર શ્રી નીતિન સાંગવાને વલસાડ જિલ્લાને આવનારા છ માસમાં લોકભાગીદારીથી સ્વચ્છ અને સુંદર બનાવવા બીડું ઝડપ્યું છે. જે માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવશે. પ્રથમ જિલ્લાના મુખ્ય રસ્તાઓની સ્વચ્છતા માટે દર અઠવાડિયા દરમિયાન કામગીરી થશે. ત્યારબાદ ધીમે ધીમે છ માસમાં જિલ્લાને સ્વચ્છ બનાવાશે તે માટે લોકભાગીદારીનો પણ સહયોગ લેવાશે.
કલેકટરે વલસાડના અબ્રામા રોડ પર થયેલી સ્વચ્છતાની સરાહના કરી હતી. જયાં નાની બાબતોને ધ્યાનમાં રાખી, કાર્યવાહી થઇ છે. નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, વહીવટી તંત્ર તમામ સહયોગ વડે માર્ગને સ્વચ્છ બનાવાયો છે. હવે લોકભાગીદારી સાથે કાયમી ધોરણે સ્વચ્છ અને સુંદર રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

સરકારી કચેરીઓની વિઝીટ થશે
જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાની તમામ સરકારી કચેરીઓને સાફ-સુથરી રાખવા સુચના આપી છે. સરકારી પરિસર સ્વચ્છ અને ચોખ્ખુ રહે તે માટે તેઓ સરકારી કચેરીઓની મુલાકાત લેશે. સફાઇ અંગે પ્રેઝન્ટેશન મોકલી આપવા પણ તેમણે અધિકારીઓને સુચનાઓ આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!