વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ દિવસ – ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તા. ૧૩ થી ૧૮ નવેમ્બર સુધી થનારી ઉજવણી અંગે અને તા. ૧૫ નવેમ્બરે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં નાનાપોંઢા તાલુકામાં હેલીપેડ મેદાન ખાતે અંદાજે ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં થનારી જિલ્લા કક્ષાની ઉજવણી અંગે માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા અને વિશેષ કરીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની લાગણી અન્વયે વર્ષ-૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫ નવેમ્બરને “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫માં ૧૫ નવેમ્બરના રોજ ડેડીયાપાડા, જિ.નર્મદા ખાતે પ્રધાનમંત્રીશ્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે તા. ૧૩ થી ૧૮ સુધી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થશે, જેમાં તા. ૧૫ નવેમ્બરને રવિવારે વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાની જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સભા સ્થળે પહોંચતા પહેલા નાનાપોંઢા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાશે અને પરંપરાગત વાજિંત્રો, વસ્ત્રો અને નૃત્ય સહિત ૯૦૦ મીટરની શોભાયાત્રા યોજાશે. સભામાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જનજાતીય વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને લાભાર્થીને સહાયનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું કે, ૧૫ નવેમ્બરે વિવિધ યોજનાના લાભાર્થીઓ જેમ કે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ના ૩૦૪૮ લાભાર્થીઓને કુલ-૮૧૧ હેક્ટર જંગલ જમીનની ફાળવણી માટે અધિકારપત્ર, વ્યકિતગત આવાસ યોજનાના ૬૧૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તા પેટે કુલ રૂપિયા ૧.૮૩ કરોડ, કુંવરબાઈનું મામેરુના ૪૦૦ લાભાર્થીઓને કુલ રકમ રૂ. ૪૮.૦૦ લાખ, વેલાવાળા શાકભાજી યોજના ૮૬૬ લાભાર્થીઓને કુલ રકમ રૂ. ૧.૨૬ કરોડ, ફળાઉ ઝાડ રોપા ૪૩૬ લાભાર્થીઓને કુલ રકમ રૂપિયા ૭૪.૦૦ લાખ અને સંકલિત ડેરી વિકાસ યોજના ૩૮૦૦ લાભાર્થીઓને કુલ રકમ રૂ. ૨૨.૦૪ કરોડ. આમ કુલ ૯૧૪૬ લાભાર્થીઓને ૮૮૬ હેક્ટર જંગલ જમીન અને કુલ રકમ રૂ.૨૬.૩૫ કરોડથી વધુનો લાભ આપવામાં આવશે.

વધુમાં, ૧૫ નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લાને કુલ ૯૩ કામો રૂ.૬.૮૨ કરોડનું લોકાર્પણ અને કુલ-૩૮૧ કામો રૂ.૪૧.૪૯ કરોડનું ખાતમુહૂર્ત આમ, કુલ રૂ.૪૮.૩૧ કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કલગામ, તા.ઉમરગામ ખાતે નવીન બાંધકામ માટે રૂ.૯૨.૯૬ કરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, આવતી કાલે તા. ૧૩ નવેમ્બરે વલસાડ જિલ્લામાં સવારે ૧૧ થી ૧૨-૩૦ સુધી ધરમપુર, કપરાડા, ઉમરગામ, વલસાડ અને પારડીમાં યુવા સભાનું આયોજન કરાયું છે. જેમાં ધરમપુર ખાતે બામટીમાં આરોગ્ય મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયા, કપરાડામાં કોમ્યુનિટી હોલ ખાતે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઉમરગામ ધોડીપાડા હોલમાં આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પ્રફૂલભાઈ વસાવા, વલસાડ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને પારડીના ઓડિટોરીયમ હોલમાં નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ડો. વિશાલ પટેલની ઉપસ્થિતિમાં યુવા સભા થશે. દરેક તાલુકામાં ૫૦૦ યુવાનો ઉપસ્થિત રહેશે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તા. ૧૫ નવેમ્બરે જિલ્લા કક્ષાની ઉજવણીમાં નવી પહેલ કરાશે. શબરી બૂથ અંતર્ગત વલસાડ જિલ્લામાં સાપ્તાહિક હાટ ખાતે એક શબરી બૂથ રહેશે. જનસેવા સહાય અને વિભાગની યોજનાઓ અંગે જાગૃતિ દ્વારા લોકોને સેવાઓ સુધી સરળ પહોંચ મળશે તથા સ્વસહાય જૂથો, વી.ડી.વી.કે. અને કારીગરોની વસ્તુઓને પ્રદર્શન અને વેચાણ દ્વારા નિયમિત બજાર મળશે. આ સિવાય જોહાર કેફે અંતર્ગત વલસાડ જિલ્લામાં ૦૧ જોહાર કેફે ૧૫ નવેમ્બર, ૨૦૨૬થી સુથારપાડા APMC, કપરાડા ખાતે કાર્યરત કરવામાં આવશે. જ્યાં મહિલા સ્વસહાય જુથો દ્વારા ગુજરાતની આદિવાસી અને મિલેટ આધારિત વાનગીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના માધ્યમથી આદિજાતિ સમુદાયોના કલા-કૌશલ્ય, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો તથા આદિવાસીઓ દ્વારા ભારતની સ્વતંત્રતાની ચળવળમાં આપેલા યોગદાનની ગૌરવગાથાને જન-જન સુધી પહોંચાડીને આદિવાસી મહાનાયકોને સાચી શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવશે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવાનો ભારતે નિર્ધાર કર્યો છે ત્યારે આદિજાતિ સમુદાય પણ વિકાસના પંથે અગ્રેસર રહે તે આ ઉજવણીનું મુખ્ય હાર્દ છે. આ ઉજવણી સમગ્ર દેશની જનજાતીય સંસ્કૃતિ અને અસ્મિતાને સંરક્ષિત કરીને વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશને દેશને વેગવંત બનાવવાનો ઉમદા પ્રયાસ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, તા. ૧૩મીના રોજ યુવા સભા, તા. ૧૪મીના રોજ ધરમપુરના આસુરા સર્કલ, નાનાપોંઢાના બિરસા મુંડા સર્કલ અને દરેક ગ્રામ પંચાયતમાં મહાનુભાવોના સ્મારકની સ્વચ્છતા કરાશે, ઘરે ઘરે દિપોત્સવ કરાશે, ૧૫ જેટલી આદિવાસી બોલીમાં આરતી ગવાશે, બિરસા મુંડાના જીવન ચરિત્રનું વાંચન કરાશે, ૧૫મીએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી, પુષ્પાજંલિ, શોભાયાત્રા અને મુખ્ય સભા, તા. ૧૬મીએ પારડી ઓડિટોરીયમમાં પ્રબુધ્ધ નાગરિક સંમેલન, તા. ૧૭મીએ ધરમપુરની એસએમએસએમ હાઈસ્કૂલ, કપરાડામાં એન.આર.રાઉત શાળા, ઉમરગામમાં બીચ પાસે નગરપાલિકા ક્રિકેટ મેદાન, વલસાડમાં આવાબાઈ સ્કૂલ મેદાન અને પારડીમાં ડી.સી.ઓ. શાળા મેદાન ખાતે પરંપરાગત ગ્રામીણ રમોત્સવ, અને તા. ૧૮મીના રોજ ધરમપુર, કપરાડા, ઉમરગામ, વલસાડ અને પારડી ખાતે આદિવાસી મહિલા સંમેલન મળશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી, નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી નિખિલ ચોકસી, સંગઠનના ડાંગના પ્રભારી શિલ્પેશ દેસાઈ સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!