ગુજરાત એલર્ટ | ખેરગામ
દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ખેરગામના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ખેરગામ ગામના સર્વાંગી વિકાસ માટે ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે તૈયાર કરવામાં આવેલા રૂ. 32 કરોડના DPRને રાજ્યકક્ષાની સમિતિમાં મળેલી મંજૂરી બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખેરગામના આ મહત્વપૂર્ણ વિકાસકાર્યને મંજૂરી અપાવવામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું માર્ગદર્શન અને સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેમના પ્રયાસોથી વિકાસકાર્યને આગળ વધારવાનો માર્ગ મોકળો થતાં ગામના આગેવાનોએ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ ખેરગામના વિકાસ માટે આવો જ સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ખેરગામના વિકાસમાં સહયોગ બદલ નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મોમેન્ટો અર્પણ કરી તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દિવાળીની શુભેચ્છાઓની આપ-લે સાથે ખેરગામના વિકાસના વિવિધ મુદ્દાઓ પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.

આ શુભેચ્છા મુલાકાતમાં મોડેકો કમિટીના પ્રમુખ અને ખેરગામ ભાજપના ઉપપ્રમુખ શૈલેશભાઈ ટેલર, પત્રકાર હર્ષદ આહીર, ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, જિલ્લા યુવા ભાજપના મંત્રી સુરજ પટેલ, નવસારી જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાનશિર વોહરા, ખેરગામ ગ્રામ પંચાયત સભ્ય મહેશ ભાનુશાલી સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
