ગુજરાત વિદ્યાપીઠની પોષણ યાત્રા કપરાડાના બારપુડા અને વાવર ગામે પહોંચી: સાત દિવસ વિવિધ ગામોની આંગણવાડીઓ અને શાળાઓમાં બાળકોને પોષણ અંગે અપાશે માર્ગદર્શન

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પોષણ યાત્રા અંતર્ગત વિદ્યાપીઠની ટીમ કપરાડા તાલુકાના વાવર અને બારપુડા ગામે આવી પહોંચી છે. આ ટીમ સાત દિવસ સુધી તાલુકાનાં વિવિધ ગામોમાં આવેલી આંગણવાડીઓ અને શાળાઓની મુલાકાત લઈ બાળકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવશે. આ યાત્રા અંતર્ગત બાળકોના આરોગ્ય, યોગ્ય આહાર અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે અલગ-અલગ સામાજિક વિષયોને કેન્દ્રમાં રાખીને ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પોષણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠના હજારો વિદ્યાર્થીઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈને પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોષણ યાત્રાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગે સમજ કેળવવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસમાં યોગ્ય આહારની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોની કામગીરીને નજીકથી સમજવી અને બાળકોના પોષણ તથા પ્રારંભિક વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની જાણકારી મેળવવી પણ યાત્રાનો મહત્ત્વનો હેતુ છે.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પોષણના વિષયને વ્યવહારુ રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે કરવામાં આવતી કામગીરી વિશે પણ વિદ્યાર્થીઓ માહિતી મેળવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોમાં પોષણ અંગે જાગૃતિ કેળવવાની સાથે ગ્રામ્ય સમાજની જરૂરિયાતો અને પડકારોને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કપરાડા તાલુકામાં પોષણ યાત્રાની ટીમ દ્વારા વાવર, સુથારપાડા અને બારપુડા સહિતનાં ગામોની આંગણવાડીઓ અને શાળાઓની મુલાકાત લેવામાં આવી છે. આગામી 31 ઓક્ટોબર સુધી તાલુકાનાં વિવિધ ગામોમાં મુલાકાતો યોજી પોષણ અને બાળવિકાસ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિદ્યાપીઠની પદયાત્રા માત્ર ચાલીને ગામડાં સુધી પહોંચવાની પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે સમાજને નજીકથી સમજવાની તક પણ છે. વિદ્યાપીઠની ગ્રામજીવન પદયાત્રાની પરંપરા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન અને સામાજિક પ્રશ્નો સાથે જોડે છે.પોષણ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રામ્ય પરિવારોની જીવનશૈલી, ખાદ્ય આદતો, આરોગ્ય અંગેની માન્યતાઓ અને પોષણ સંબંધિત પડકારોને સમજવાની તક મળી છે. આ અનુભવ તેમના અભ્યાસને વ્યવહારુ જ્ઞાન સાથે જોડે છે અને સમાજસેવાની ભાવનાને મજબૂત બનાવે છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક અભિગમમાં ગ્રામજીવન, સ્વાવલંબન, સામાજિક જવાબદારી અને માનવસેવા જેવા મૂલ્યોનું વિશેષ સ્થાન છે.પોષણ યાત્રાની થીમને આ મૂલ્યો સાથે જોડીને જોઈએ તો સ્વસ્થ સમાજના નિર્માણમાં લોકોની ભાગીદારી, સ્થાનિક સંસાધનોનો ઉપયોગ અને લોકોમાં જાગૃતિનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. ગામડાંનો વિકાસ માત્ર આર્થિક પ્રગતિથી નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારાથી પણ માપવો જોઈએ.ગૂજરાત વિદ્યાપીઠની પોષણ યાત્રા 2026ને પોષણ અંગે જાગૃતિ ફેલાવવાની અને ગ્રામ્ય સમાજ સાથે જોડાવાની એક મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે રજૂ કરી છે પોષણ એ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્યનો વિષય નથી, પરંતુ દેશના માનવ સંસાધન, શિક્ષણ, વિકાસ અને સામાજિક સમાનતા સાથે જોડાયેલો મુદ્દો છે.
વિદ્યાર્થીઓ જ્યારે ગામડે જઈને લોકો સાથે સીધો સંવાદ કરે છે, ત્યારે જ્ઞાનનો પ્રસાર માત્ર પુસ્તકો પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ સમાજજીવન સાથે જોડાય છે. આ રીતે પોષણ અંગેની સમજણને લોકોના રોજિંદા જીવન સુધી પહોંચાડવાનો પ્રયાસ સ્વસ્થ અને જાગૃત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!