ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને વહીવટી સ્તરને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક ભવ્ય ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર વલ્લભ આશ્રમ એમ. જી. એમ. અમીન અને વી. એન. સવાણી શાળા ખાતે યોજાયો હતો. આ સેમિનાર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લાભરના શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં ફેબ્રુઆરી- માર્ચ ૨૦૨૬ની બોર્ડ પરીક્ષાના પરિણામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પરિણામ સુધારણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આગામી વર્ષમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરે તે માટે ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યા હતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ‘૩૬૦ ડિગ્રી એપ્રોચ’ અપનાવવા ખાસ સૂચન કર્યું હતું.

સેમિનારમાં વિશેષ ઉપસ્થિત સેલ્ફ ફાઇનાન્સ એસોશિયશન વલસાડના સ્થાપક અને અધ્યક્ષ પૂજ્ય કપિલ સ્વામીજીએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે, શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી પણ ચારિત્ર્ય નિર્માણનું ઘડતર છે. નવા શૈક્ષણિક વર્ષમાં તમામ શાળાઓ, સંચાલકો અને આચાર્યો સાથે મળીને વિદ્યાર્થીઓને એવું નૈતિક અને ગુણવત્તાસભર વાતાવરણ પૂરું પાડે જેથી તેઓ દેશના જવાબદાર નાગરિક બને. શિક્ષણ ક્ષેત્રે આવતા નવા પ્રવાહો અને ટેકનોલોજીને અપનાવીને આપણે વલસાડ જિલ્લાને શૈક્ષણિક ક્ષેત્રે મોખરે રાખવાનો છે.

આ સેમિનારમાં પ્રેસિડન્ટ અલ્પાબેન કોટડિયા, સંચાલક મંડળમાંથી રાજુભાઇ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ દિનેશભાઇ પટેલ, આચાર્ય રાજ્ય સંઘ અન્વેષક પંકજભાઈ પરમાર, માધ્યમિક સંઘના પ્રમુખ દીપકભાઇ પટેલ તેમજ વહીવટી સંઘના પ્રમુખ સંજયભાઇ પટેલ સહિત જિલ્લાના અન્ય અગ્રણી હોદ્દેદારો અને આચાર્યશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સેમિનારમાં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ
(૧) યોજનાઓની અમલવારી: રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓનું સચોટ અમલીકરણ કરવું.
(૨) શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી: શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૧૦૦% પ્રવેશ નામાંકન સુનિશ્ચિત કરવું અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.
(૩) સમીક્ષા અને સર્વે: પ્રિ-સર્વે, પોસ્ટ-સર્વે અને ‘બેક ટુ સ્કુલ’ (શાળા ડ્રોપ-આઉટ ઘટાડવા) કાર્યક્રમની સમીક્ષા.
(૪) હોલિસ્ટીક એજ્યુકેશન: વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ હોલિસ્ટીક (સમગ્રલક્ષી) શિક્ષણ પૂરું પાડવું.
(૫) સંચાલક અને આચાર્યની સંયુક્ત ભૂમિકા: શાળા સંચાલક મંડળ દ્વારા તમામ સરકારી યોજનાઓના વહીવટી અમલ અને ભૌતિક સુવિધાઓ માટે સહયોગ આપવો, તેમજ આચાર્યશ્રીઓ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા અને પરિણામ સુધારણા માટે નબળા વિદ્યાર્થીઓ પર અત્યારથી જ વિશેષ એક્શન પ્લાન બનાવી સ્ટાફને માર્ગદર્શન આપવું
