૨૬-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ: ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામે ૩ અને ઉષાબેન પટેલના નામે ૧ મળી કુલ ૪ ઉમેદવારી પત્ર રજૂ કરાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૨૬- વલસાડ બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે આજે તા. ૧૫ એપ્રિલના રોજ સોમવારે વલસાડ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલે પાર્ટીના આગેવાનો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટરશ્રી આયુષ ઓક સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સોમવારે ૨૬- વલસાડ બેઠક (અ.જ.જા.)ના ભાજપના ઉમેદવાર ધવલ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.૩૭, રહે. એ-૮૧, સ્વસ્તિક રો હાઉસ, વિજ્યાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટી, જંહાગીરાબાદ, સુરત) એ પોતાના નામથી ૩ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથુ ઉમેદવારી પત્ર ઉષાબેન ગીરીશકુમાર પટેલ (ઉ.વ. ૫૬, રહે. ૧૮૮, બ્રાહ્મણ ફળિયા, પરિયા, તા.પારડી, જિ.વલસાડ)ના નામથી ભરાયું હતું. આમ, વલસાડ-ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારી પત્રો ભરી શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તા.૧૨ એપ્રિલથી રોજે રોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્યા છે ત્યારે આજે સોમવારે વીવીઆઈપી (વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી)ના એક વ્યકિત ૩ ફોર્મ લઈ ગયા હતા. આમ, અત્યાર સુધીમાં ૪ દિવસમાં કુલ ૯ વ્યકિત ૩૫ ફોર્મ લઈ ગયા છે. જેમાંથી ભાજપના ઉમેદવારે સૌ પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા. ૧૯ એપ્રિલ ૨૦૨૪ છે. જ્યારે ૨૦ એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી થશે અને તા. ૨૨ એપ્રિલના રોજ ઈચ્છુક ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. વલસાડ જિલ્લા ચૂંટણી શાખા હાલ આખો દિવસ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે. વલસાડ- ૨૬ સંસદીય મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્ડ ધ ક્લોક’’ કામગીરી કરી રહ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!