વલસાડના વકીલ જગતનો તારલો ખરી પડ્યો

વલસાડ
વલસાડ વકીલ જગતમાં મોટું નામ ધરાવતા કીકુભાઈ દેસાઈનું આજે મળસ્કે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વકીલ આલમમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેઓએ વલસાડ જિલ્લામાં ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સરકારી વકીલ તરીકે નામના મેળવી હતી.
વલસાડમાં કીકુભાઇ દેસાઈના નામથી ઓળખાતા ચંદ્રકાંતભાઈ ભગવાનજીભાઈ દેસાઈની ગતરાત્રે તબિયત લથડતા એમના પુત્ર ધર્મિનભાઈ દેસાઈ દ્વારા ઝેનીથ ડોક્ટર હાઉસમાં લઈ જવાયા હતા. જ્યાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ હૃદયરોગનો હુમલો આવતા 85 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. સીબી દેસાઈએ 55 વર્ષ જેટલો લાંબો સમયગાળો વકીલાતના વ્યવસાયને આપ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વલસાડ જિલ્લામાંથી તેઓ સૌ પ્રથમ સભ્ય ચૂંટાયા હતા. એટલું જ નહીં કસ્ટમ વિભાગના સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે 35 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. ઉપરાંત વલસાડમાં ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી સરકારી વકીલ તરીકેની ફરજ બજાવી નામના મેળવી હતી. તેઓ રોટરી ક્લબમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ રહી ચૂક્યા હતા. રોટરી ક્લબમાં સર્વોચ્ચ ગણાતો સર્વિસ ઍબાઉ સેલ્ફ એવોર્ડ પણ તેમને મળ્યો હતો. વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના તેઓ હાલમાં ચાલુ પ્રેસિડેન્ટ હતા. એટલું જ નહીં પરંતુ વલસાડની તમામ કોલેજોનું સંચાલન કરતાં નૂતન કેળવણી મંડળના પણ પ્રેસિડેન્ટ હતા. જે હોદ્દા પરથી નાદુરસ્ત તબિયતને કારણે લગભગ એકાદ વર્ષ અગાઉ જ રાજીનામું આપ્યું હતું. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા કીકુભાઈના અવસાનથી પરિવારજનો મિત્રવર્તુળમાં ગમગીની છવાઇ ગઇ હતી.
કીકુભાઈનું અવસાન થતાં બીડીસીએમાં આજરોજ યોજાનારું અંડર-૧૯ ટીમનું સિલેક્શન રદ કરવામાં આવ્યું હતું. જે આવતીકાલે તા.19.11.21 ના રોજ યોજાશે એમ બીડીસીએના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ઉપરાંત સીબીદેસાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વલસાડના વકીલોની શોકસભા તા. 20.11.21 ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે ડિસ્ટ્રિક્ટ કોર્ટ રૂમમાં રાખવામાં આવી છે. જેમાં વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સહિત અન્ય જજ શ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!