વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી, જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લો તથા જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસમાં નાના-મોટા ઔદ્યોગિક એકમ તથા પ્રવાસન ક્ષેત્ર વિકસ્યા છે. સાથે ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર તથા નાના- મોટા ધંધાઓ મોટી સંખ્યામાં છે. આ ઔદ્યોગિક એકમ, ટ્રાન્સપોર્ટ, હોટલ રેસ્ટોરન્ટ, નાના-મોટા ધંધા અન્ય રોજગાર-વ્યવસાય, ભંગાર અને માલના ગોડાઉન વિગેરે જગ્યાએ મોટાભાગે પરપ્રાંતીય લોકો કામ કરે છે. આ તમામ પરપ્રાંતીય લોકો ઔદ્યોગિક વિસ્તાર તથા રહેણાંક સોસાયટી તથા સ્લમ/ચાલી વિસ્તારમાં ભાડેથી રહી વસવાટ કરે છે. જે પૈકી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો ગુનાહિત પ્રવૃતિને અંજામ આપી જિલ્લા/રાજય બહાર નાસી જતા હોય છે. પોલીસ તપાસ દરમ્યાન તેના રહેણાંકની જગ્યાએ તપાસ કરતા રૂમ/મકાનના માલિક દ્વારા જે તે વ્યકિતના ઓળખના પુરાવા સાથે ભાડા કરાર કરવામાં આવેલા હોતા નથી કે જે-તે રૂમ/મકાન ભાડા કરાર એક જ વ્યકિત સાથે કરવામાં આવેલા હોય છે. પરંતુ તેની સાથે રહેતા અન્ય મહિલા/પુરૂષના નામ-સરનામા, આધાર પુરાવા કે ફોટોગ્રાફસ કે મોબાઇલ નંબર વિગેરેની માહિતી મેળવવામાં આવતી નથી. જેના કારણે ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિતઓની ઓળખ થઇ શકતી નથી કે ખોટા અથવા બીજા વ્યકિતના આધાર પુરાવા આધારે વસવાટ કરતા હોય જેથી વ્યકિતની ઓળખ કે ધરપકડ થઇ શકતી નથી.
વલસાડ જિલ્લામાં ખાસ કરીને સગીર વયની છોકરીના અપહરણ, ભગાડી જવા કે સગીર બાળકો સાથે જાતીય અપરાધના બનાવોમાં રાજય બહારના વ્યકિતઓની સંડોવણી જણાઇ આવતા મહિલા બાળકો સાથે બનતા બનાવો તથા વ્યકિતઓની ઓળખ પ્રસ્થાપિત કરી ગુનાઓ અટકાવવા અને ગુનાઓ શોધવા જે-તે વ્યકિતના ઓળખના પુરાવા લીધા વગર રૂમ, મકાન, ચાલી, દુકાન, ગોડાઉન તથા રહેણાંક તરીકે ઉપયોગમાં લેવામાં આવતા દરેક સ્થળ કે જગ્યા ભાડેથી આપતા હોય છે. જેથી આવી રીતે ભાડેથી રહેણાંકની સુવિધા પુરી પાડતા જગ્યા/મકાનના માલિક ઉપર નિયંત્રણો લાવવા જરૂરી છે. આ માટે રહેણાંક/ધંધા માટે ભાડેથી જગ્યા/ મકાન પુરી પાડતા વ્યકિત/સંસ્થા નીચે મુજબની અમલવારી કરે તેના અનુસંધાને વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ-૧૪૪ થી મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર વલસાડ જિલ્લામાં કોઇ મકાન/ દુકાન/ ઓફિસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકો અથવા તો સંચાલકોએ ખાસ સત્તા આપેલી વ્યકિત જ્યારે મકાન/દુકાન/ઓફિસ/ ઔદ્યોગિક એકમો ભાડે આપે છે ત્યારે નીચે જણાવેલ માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશને આ જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન ૨૦માં આપવાની રહેશે.
(૧) સમગ્ર વલસાડ જિલ્લામાં કોઇ મકાન/ દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકો અથવા તો આ માટે ખાસ સત્તા આપેલી વ્યકિત જયારે મકાન/ દુકાન/ ઓફિસ ઔદ્યોગિક એકમો હવેથી ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન/દુકાન/ઓફિસ ઔદ્યોગિક એકમ ભાડે આપી શકાશે નહીં. હવે પછીથી ભાડે આપેલા મકાન/દુકાન/ઓફિસ ઔદ્યોગિક એકમની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલી હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આ જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન- ૨૦માં આપવાની રહેશે. (૨) સમગ્ર વલસાડ જિલ્લામાં ભાડુઆતના તથા તેની સાથે ધંધામાં સકળાયેલા તથા વસવાટ કરતા દરેક વ્યક્તિના ફોટા, આઇડી પ્રુફ મેળવવા અને નોટરાઇઝ ભાડા કરાર કરવો તથા ભાડા કરારમાં ભાડેથી લેનારના સાક્ષીના પણ ઓળખના પુરાવા તથા મોબાઈલ નંબર મેળવવા. (૩) સમગ્ર વલસાડ જિલ્લામાં ભાડુઆત તથા તેની સાથે ધંધો કરતા તથા રહેતા દરેક વ્યકિત કઈ કંપની, દુકાન, ફેક્ટરી, ગોડાઉન, ધંધાકીય સ્થળમાં કામ કરે છે તેનું પુરેપુરૂ નામ-સરનામુ, નંબર મેળવવા નવા વેરીફાય કરવું. (૪) સમગ્ર વલસાડ જિલ્લામાં ભાડુઆત અને તેની સાથે રહેતા દરેક વ્યક્તિના મુળ વતનનું નામ- સરનામુ તથા વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ મોબાઇલ નંબર મેળવવા. (૫) સમગ્ર વલસાડ જિલ્લામાં જગ્યા/મકાન ભાડે આપનાર માલિક નોટરાઈઝ ભાડા કરાર બનાવી જરૂરી આધાર પુરાવા મેળવી નિયત નમુનાનું ફોર્મ તથા ભાડા કરારની સર્ટિફાઇડ નકલ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. (૬) સમગ્ર વલસાડ જિલ્લામાં ભાડુઆતની કોઈ શંકાસ્પદ પ્રવૃતિ હિલચાલ કે ગુનાહિત પ્રવૃતિ જણાઇ તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વિભાગને જાણ કરવાની રહેશે. આ હુકમ તા. ૪ જાન્યુઆરી ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સપેકટર કે તેથી ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો/ચોકીઓ, તમામ મામલતદાર કચેરીઓ, તમામ તાલુકા પંચાયત કચેરીઓ તથા પોલીસ અધિક્ષકની કચેરીના નોટીસ બોર્ડ ઉપર આ હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે. સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર આ હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના જવાબદાર આધકારીએ આ હુકમ જાહેર જનતા સહેલાઇથી વાંચી શકે તે રીતે યોગ્ય સાઇઝના બોર્ડ બનાવી તેઓના કાર્યક્ષેત્રમાં આવેલા જાહેર સ્થળોએ મુકવાના રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!