સુરત- વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્માન યોજાયો, ૧૩૭ પ્રતિભાનું સન્માન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
સુરત- વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્ટન-U. K. મૂળ, પૂણા)ના પ્રમુખપદે અને વલસાડ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશિષભાઈ ગોહિલ અને લીલાપોરના માજી સરપંચ જ્યોતિબેન ગોહિલના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.

આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ ક્યારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્થા અન્ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. મંડળના પ્રમુખ રાજેન્દ્ર એમ.સોલંકીએ આ સંસ્થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્યો હતો. આ સમારોહમાં રૂ. ૫ લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેઓનું અભિવાદન કરાયુ હતું.

પરદેશથી ઉપસ્થિત રહેલા દાતા ગં.સ્વ.સુશીલાબેન હસમુખભાઈ સિંહલ, કમલેશ વી.ચૌહાણ અને પરિવાર તથા યુ.કે. અને યુ.એસ.એ.થી ઉપસ્થિત રહેલા દાતાઓ દ્વારા સમાજના ડોક્ટર, એન્જિનિયર, આઈઆઈટી પુરસ્કાર વિજેતા, સરકારી અધિકારી, ધો. ૧૦, ૧૨, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૩૭ પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની, હિરેન રોહિત, સુરેશ ચૌહાણ અને હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!