ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને વલસાડપારડી ખાતે આવેલા રામલાલા મંદિરના હોલમાં ‘બાળ મેળો – ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે આંગણવાડી કાર્યકરોની અદભૂત કામગીરીને બિરદાવી વધુમાં વધુ બાળકો આંગણવાડી કેન્દ્રમાં આવે અને સરકારી યોજનાઓનો લાભ મેળવે તે દિશામાં સક્રિય કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે બાળકોની સુંદર કૃતિઓ પાછળ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી તેમજ મહેમાનોના સ્વાગત માટે બાળકો દ્વારા તૈયાર કરાયેલી કૃતિઓની પ્રશંસા કરી હતી.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે આંગણવાડી કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવીને સમાજમાં તેમની ભૂમિકાના મહત્વ અંગે વાત કરી હતી. વલસાડ જિલ્લા પંચાયતની મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ચૌધરીએ બાળકોના સર્વાંગી વિકાસ અને સુપોષણમાં આંગણવાડી કેન્દ્રોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે બાળ મેળામાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ ભૂલકાંઓ અને તેમને માર્ગદર્શન પૂરું પાડનાર કાર્યકર બહેનોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ બાળ મેળામાં વલસાડ જિલ્લાના ૧૫ ઘટકોના બાળકોએ બાળગીત, એકપાત્રીય અભિનય અને બાળ વાર્તા જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, તમામ ઘટકના કાર્યકરો દ્વારા બાળકોના શિક્ષણ માટે ઉપયોગી શૈક્ષણિક સાધનો (TLM- ટીચીંગ લર્નિંગ મટીરીયલ) તેમજ પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા વિજ્ઞાનની સરળ સમજ દર્શાવતા પ્રોજેક્ટ્સ તૈયાર કરીને પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિર્ણાયકો દ્વારા બાળકોની કૃતિઓ, TLM અને વિજ્ઞાન પ્રદર્શનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં (૧) વિજ્ઞાન પ્રદર્શનની કૃતિમાં પ્રથમ ક્રમે વલસાડ ઘટક – ૨, દ્વિતીય ક્રમે ધરમપુર ઘટક – ૧, તૃતીય ક્રમે ઉમરગામ ઘટક – ૨, (૨) બાળકોની કૃતિના વિજેતામાં પ્રથમ ક્રમે વલસાડ ઘટક – ૨ (આદિવાસી નૃત્ય), દ્વિતીય ક્રમે ધરમપુર ઘટક – ૨ (વૃક્ષ બચાવો – અભિનય વાર્તા) અને તૃતીય ક્રમે પારડી ઘટક – ૧ (બાળ અભિનય ગીત) અને (૩) શૈક્ષણિક સાધનો (TLM) ના વિજેતામાં પ્રથમ ક્રમે વલસાડ ઘટક – ૧, દ્વિતીય ક્રમે વલસાડ ઘટક – ૨ અને તૃતીય ક્રમે પારડી ઘટક – ૨ વિજેતા થયા હતા.

સમગ્ર દેશમાં ‘પોષણ અભિયાન’ અંતર્ગત સપ્ટેમ્બર માસમાં ‘પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પોષણ માસ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર ઘટક, સેજા અને આંગણવાડી કેન્દ્રોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલે કર્યું હતું.
