વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે બંધારણ દિવસની ઉજવણી: ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું: મુલાકાતીઓ માટે કિઓસ્ક પર હિન્દી સહિત ૨૨ ભાષામાં બંધારણ આધારિત ફ્લિપબુકના વાંચનની વ્યવસ્થા કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા તા. ૨૬ નવેમ્બર ના રોજ ભારતીય બંધારણના મહત્વ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના સ્ટાફ સભ્યો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય બંધારણના ઇતિહાસ, રચના અને મહત્વ અંગે માહિતી આપતી વિશેષ દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મુલાકાતીઓમાં બંધારણ અંગેની સમજ વધારવા માટે બંધારણ આધારિત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બંધારણની પ્રસ્તાવના અને તેમાં સમાવિષ્ટ આદર્શોને વધુ સારી રીતે સમજવાના હેતુથી મુલાકાતીઓ માટે કિઓસ્ક પર હિન્દી સહિત ૨૨ ભાષામાં ઉપલબ્ધ બંધારણ આધારિત ફ્લિપબુકના વાંચનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતીય બંધારણની કલા અને સુલેખન પર આધારિત વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંધારણની કલાત્મક રચનાઓ તથા તેની વિવિધ વિશેષતાઓ રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રની મુલાકાતે આવતા નાગરિકો માટે પણ બંધારણની પ્રસ્તાવનાના વાંચનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા), આંગણવાડીની મહિલાઓ સહિત અન્ય મુલાકાતીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંધારણનાં મૂલ્યો તથા આદર્શો વિશે જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં બંધારણીય જાગૃતિ કેળવવાનો, લોકશાહી મૂલ્યોનું મહત્ત્વ સમજાવવાનો તથા દરેક નાગરિકને પોતાની બંધારણીય ફરજો પ્રત્યે જાગૃત કરવાનો હતો. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા આયોજિત આ વિવિધ પ્રવૃત્તિઓમાં ICDS, ધરમપુરના સ્ટાફ સભ્યો, મુલાકાતીઓ તથા કેન્દ્રના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!