ગુજરાત એલર્ટ | વલસાડ
અંતરિયાળ ગામડાના લોકોએ સરકારી કચેરીને લગતા નાના મોટા કામ માટે તાલુકા અથવા મુખ્ય મથકની સરકારી કચેરી સુધી નોકરી ધંધામાં રજા મુકી જવુ પડે છે. આ મજબૂરીમાંથી પ્રજાને મુક્તિ અપાવવા સરકાર સામે ચાલીને પ્રજાના દ્વારે આવી છે એવો અભિગમ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અપનાવી ગામે ગામ સેવાસેતુ કાર્યક્રમ યોજવા આહવાન કર્યુ હતું. જે હકીકતમાં લોકસેવાનું અસરકારક માધ્યમ બન્યુ છે. સેવાસેતુને પગલે ગામડાંથી લઈને શહેરો સુધીના લોકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળતાં તેમના સમય, શક્તિ અને નાણાંની બચત થઈ છે. વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ તા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૩૩૭૪૮ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમ સાચા અર્થમાં સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની સરકારી સેવાનો લાભ ઘરઆંગણે પહોંચાડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ૧૯ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ૩૭ અને શહેરી વિસ્તારોમાં ૮ મળીને કુલ ૪૫ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પના માધ્યમથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને નાગરિકલક્ષી સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા કે જિલ્લા મથક સુધી જવાની જરૂર ન પડે તે દિશામાં આ આયોજન મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા સેવાસેતુ કેમ્પમાં બાળકોના આરોગ્ય અને સુખાકારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા ૧૧,૮૪૦ બાળકોને કૃમિનાશક દવા અને રસીકરણનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આધારકાર્ડમાં સુધારા તેમજ ૧૮ વર્ષથી ઓછી વયનાં બાળકોની આધાર નોંધણી સહિતની સેવાઓનો ૧,૧૧૭ લોકોએ લાભ લીધો હતો. હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ અંતર્ગત ૨,૫૩૨ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જ્યારે ૨,૩૧૯ લોકોને દવા દ્વારા સારવાર આપવામાં આવી હતી. ખેડૂતોને જરૂરી દસ્તાવેજો સરળતાથી મળી રહે તે માટે ૧,૧૨૬ ખેડૂતોને ૭/૧૨ અને ૮-અના ઉતારા તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.

સેવાસેતુ કેમ્પમાં વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવતાં નાગરિકોને અનેકવિધ લાભ મળ્યા હતા. આઈસીડીએસ મારફતે બાળકોના આધારકાર્ડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, કુંવરબાઈનું મામેરું, જાતિ પ્રમાણપત્ર, શાળા-કૉલેજ માટેના ફ્રી શિપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના અને પીએમજેએવાય (મા યોજના) જેવી સેવાઓનો લાભ પણ નાગરિકોને મળ્યો હતો.

જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ઘરેલુ વીજ જોડાણ, કિસાન ક્રેડિટ કાર્ડ, જનધન ખાતું, ભીમ એપ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, દિવ્યાંગો માટેનો બસ કન્સેશન પાસ, અનુસૂચિત જાતિ માટેની સેવાઓ, ડૉ. આંબેડકર આવાસ યોજના, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પણ નાગરિકોને એક જ સ્થળે સુવિધા મળી હતી.
શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ, રેશનકાર્ડમાં સુધારા, જન્મ-મરણનાં પ્રમાણપત્રો, વ્યવસાયવેરો, આવકના દાખલા અને આવાસ યોજનાને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આમ, અલગ-અલગ સરકારી કચેરીઓમાં જવાની જરૂરિયાત ઘટાડીને નાગરિકોને સરળતાથી સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. આગામી દિવસોમાં પણ સેવાસેતુ નિયમિત યોજાય તેવી લાભાર્થીઓએ અપેક્ષા વ્યકત કરી હતી.
જિલ્લાની એક મનપા અને ચાર પાલિકા પૈકી સૌથી વધુ અરજી વાપી- વલસાડમાં આવી
વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા તેમજ વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારોમાં યોજાયેલા સેવાસેતુ કેમ્પમાં કુલ ૪,૯૫૩ અરજીઓ મળી હતી. તેમાંથી ૪,૮૯૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે ૬૨ અરજી પડતર રહી હતી. વિસ્તૃત વિગત જોઈએ તો, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ૨,૫૬૨ અરજી મળી હતી, જેમાંથી ૨,૫૩૨નો નિકાલ થયો હતો. જ્યારે ૩૦ પેન્ડિંગ રહી હતી. વલસાડ નગરપાલિકામાં ૪૪૯ અરજી, ઉમરગામ નગરપાલિકામાં ૮૫૧ અને ધરમપુર નગરપાલિકામાં ૭૧૭ અરજીઓ મળી આ ત્રણેય પાલિકામાં તમામ અરજીનો નિકાલ કરી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ,પારડી નગરપાલિકા વિસ્તારમાં મળેલી ૩૭૪ અરજીઓમાંથી ૩૪૨નો નિકાલ થયો હતો, જ્યારે ૩૨ અરજીઓ પડતર રહી હતી.
તાલુકા કક્ષાએ ૧૦૦ ટકા સિધ્ધિ, સૌથી વધુ વલસાડમાં ૭૧૭૯ અરજીનો નિકાલ
સેવાસેતુ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર સફળતા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૨૮,૮૫૭ અરજી મળી હતી અને તમામ અરજીઓનો નિકાલ કરીને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો હતો. તાલુકાવાર આંકડા મુજબ, વલસાડ તાલુકામાં સૌથી વધુ ૭,૧૭૯ અરજી મળી હતી. ત્યારબાદ ધરમપુરમાં ૫,૯૮૯, ઉમરગામમાં ૪,૪૪૫, કપરાડામાં ૪,૨૫૩, પારડીમાં ૩,૮૧૩ અને નાનાપોંઢામાં ૩,૧૭૮ અરજી મળી હતી. આ તમામ અરજીનો નિકાલ કરવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ પોતાના ગામની નજીક જ મળ્યો હતો.
