પેંણધા પ્રાથમિક શાળામાં આદરણીય સુમિત્રાબેન એમ. બિરારીનો અનોખો નિવૃત્તિ સન્માન સમારોહ: સુમિત્રાબેન દ્વારા કેસર આંબાની કલમો ભેટ આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર તાલુકાના પેંણધા પ્રાથમિક શાળામાં સુમિત્રાબેન એમ. બિરારીની નિવૃત્તિ સન્માન સમારોહ એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. નિવૃત્તિના આ પ્રસંગને યાદગાર બનાવતાં સુમિત્રાબેને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપ્યો હતો. પ્રકૃતિના ઉછેર, જતન અને કાળજીના હેતુથી શાળાનાં બાળકો, સ્ટાફ પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો, ગામના વડીલો તેમજ કેન્દ્રની શાળાઓને યાદગીરીરૂપે કેસર આંબાની કલમો ભેટ આપવામાં આવી હતી. આ અનોખી ભેટ દ્વારા તેમણે વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંવર્ધનનું મહત્ત્વ સમજાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત, શાળાની બાળાઓને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપયોગી થાય તે માટે ૧૬ જોડી ચણિયા ચોળીની ભેટ આપવામાં આવી હતી. સાથે જ સ્ટાફ પરિવાર અને SMC પરિવારને પણ યાદગીરીરૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. નિવૃત્તિના પ્રસંગે પણ સમાજ, શાળા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતું આ કાર્ય સૌના હૃદયને સ્પર્શી ગયું હતું.
તારીખ ૧૦/૦૭/૨૦૦૦થી છોટાઉદેપુર તાલુકામાં શરૂ થયેલી તેમની શિક્ષણયાત્રાએ તારીખ ૨૬/૧૧/૨૦૧૩થી પેંણધા પ્રાથમિક શાળામાં નવો પડાવ મેળવ્યો હતો. આ શાળામાં ૧૩ વર્ષ સુધી તેમણે શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમૂલ્યોનું સિંચન કરીને પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.
સુમિત્રાબેનની હાજરી માત્ર એક શિક્ષક તરીકે જ નહીં, પરંતુ માતા સમાન વાત્સલ્ય ધરાવતાં સ્નેહાળ વ્યક્તિત્વ અને માર્ગદર્શક તરીકે પણ રહી હતી. તેમણે દરેક બાળકના હૃદયમાં આત્મવિશ્વાસનું બીજ રોપ્યું અને પાઠ્યપુસ્તકોના જ્ઞાનની સાથે જીવનને સુંદર રીતે જીવવાના સંસ્કારોનું પણ સિંચન કર્યું. તેમના પ્રેમાળ સ્વભાવ, સમર્પણ અને માર્ગદર્શનની સ્મૃતિઓ શાળાના બાળકો તથા સમગ્ર સ્ટાફ પરિવારના હૃદયમાં સદાય જીવંત રહેશે.

પેંણધા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સુમિત્રાબેન એમ. બિરારીને નિવૃત્ત જીવનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમનું આવનારું જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને આનંદથી ભરપૂર રહે તથા તેઓ જીવનના નવા પડાવમાં પણ પોતાની સ્નેહસભર પ્રેરણાથી સૌને માર્ગદર્શન આપતાં રહે તેવી હૃદયપૂર્વકની મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
નિવૃતિ સન્માન સમારોહને યાદગાર બનાવવા રેખા કેદારિયા, તૃપ્તિ પટેલ, દઢાવ, પ્રજ્ઞાબેન, સુમિત્રા બિરારી, પ્રકાશ મહાલ્સ, જિતેશ પટેલ, તૃપ્તિ પટેલ, તુષાર પટેલ, પ્રીતિ ચૌધરી, સી. એમ. પટેલ, હિતેન્દ્રકુમાર માયાવંશી, મહેન્દ્ર ચૌધરી, વિરલ પટેલ અને શૈલેષ પટેલ સહિતની કામગીરી પ્રસશનીય રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!