ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાકલ્યાણ, સર્વાંગી વિકાસ અને લોકસેવાને સમર્પિત સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ગૌરવપૂર્ણ ૨૫ વર્ષની વિકાસયાત્રા, જનસેવા અને સુશાસનની ઉપલબ્ધિઓને બિરદાવવા તેમજ છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય અને સુખાકારી પહોંચાડવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સુશાસનના ૨૫ વર્ષ અંતર્ગત સેવા–સંકલ્પ અભિયાન” અંતર્ગત વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર રોડ પર મેદાનમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ હતી. જેમાં અંદાજે ૩ હજારથી વધુ લોકોએ ઉપસ્થિત રહી રમણીય સમુદ્ર કાંઠે યોગ, ધ્યાન અને પ્રાણાયામથી સવારની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ યોગ શિબિર દ્વારા નાગરિકોને યોગ, ધ્યાન, પ્રાણાયામ તથા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અંગે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ જનજાગૃતિ લાવી આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા વધે અને લોકો નિયમિત યોગ કરતા થાય અને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવે તેના પર ભાર મુક્યો હતો. તેમણે સાધકોને યોગ, ધ્યાન અને પ્રાણાયામનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું હતું. આ સાથે જ ૧૦ હજારથી વધુ યોગ ટ્રેનર બનાવવાનું લક્ષ્ય સાકાર કરવા સૌને યોગ તરફ વળવા આહવાન કર્યુ હતું. વધુમાં તેમણે કહ્યું કે, યોગ એવી જડીબુટ્ટી છે કે જેનાથી બીપી (બ્લડપ્રેશર) અને મોટાપા(મેદસ્વિતા)થી મુક્તિ મળી શકે છે. યોગને એક દિવસનો નહી પરંતુ જીવનભરનો ભાગ બનાવવાની જરૂર છે. તેમણે યોગ શિક્ષકને રાષ્ટ્ર ભક્ત ગણાવ્યા હતા. યોગ શિક્ષકો ઘર ઘર સુધી યોગનો ફેલાવો કરી લોકોને તંદુરસ્ત બનાવવાનું સ્વસ્થ જીવન આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. દેશના લોકો સ્વસ્થ હશે તો આપણા દેશને વિશ્વગુરૂ બનતા કોઈ રોકી શકે નહી. યોગ વિકાસથી જોડે છે, સંસ્કૃતિ અને સંસ્કાર સાથે લોકોને જોડે છે.

શીશપાલજીએ ધ્યાન ઉપર વિશેષ ભાર મુકી મેડિટેશનને બેસ્ટ મેડિસિન ગણાવી હતી. આ સાથે વિપશ્યના અંગે કહ્યું કે, વિપશ્યના એ યોગનો જ એક ભાગ છે. જે દુઃખ વિનાશક જડીબુટ્ટી છે. જે મૌન સાધના છે. જે તમારા જીવનને બદલવાની તાકાત ધરાવે છે. આથી તમામ લોકોને યોગ સાથે જોડાવા આહવાન કર્યું હતું.
‘‘યોગ ભગાવે રોગ’’ એમ જણાવી ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાની કહાની જણાવતા કહ્યું કે, જણાવ્યું કે, મને હાઇપર થાઇરોઇડ હતો પણ યોગ કરવાથી મારો થાઇરોઇડ મટી ગયો છે. મારા અનુભવ મુજબ દરેક બીમારીનો ઈલાજ યોગથી શક્ય છે. યોગ દ્વારા મારુ જીવન બદલાયું છે. આપણા વડાપ્રધાનશ્રી પણ રોજ નિયમિત યોગા કરે છે. એટલે તો તેઓ ૧૮ કલાક સુધી કામ કરી શકે છે.

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, હું જયારે આઈએએસનું ઈન્ટરવ્યુ આપવા ગયો હતો ત્યારે મને યોગ અને મેડીટેશન અંગેના સવાલ પુછાયા હતા અને દેશભરમાં મારા સૌથી વધુ માર્ક આવ્યા હતા. IAS બનવામાં યોગવિદ્યા મને ખૂબ જ ઉપયોગી બની છે. જીવનમાં શાંતિ અને સહજતા વધારવા માટે યોગ વિદ્યા એકમાત્ર વિકલ્પ છે. આજે આપણે અહીં શિબિરમાં જે શીખ્યા છે તેને રોજ જીવનમાં અમલમાં મુકીશું એવી આશા રાખુ છું.

વલસાડના શિવજી મહારાજે જણાવ્યું કે, યોગથી મન નિયંત્રણમાં આવે છે. મનથી મોટું કોઈ નથી. મન કે જીતે જીત હે, મન કે હારે હાર હે…. યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા આપણે પોતાના મન પર નિયંત્રણ મેળવી શકીએ છીએ.

આ પ્રસંગે વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ તેજસ પટેલ, સ્ટેટ યોગ કો-ઓર્ડિનેટર રાજેશ પંચાલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી તેમજ વિવિધ સંસ્થાના કાર્યકરો અને સ્કૂલના વિદ્યાર્થીઓ યોગ ટ્રેનર, યોગ કોચ, તેમજ ૨૦ બસમાં જિલ્લાભરમાંથી અંદાજે ૩૨૦૦ લોકો યોગ શિબિરમાં ઉમટ્યા હતા.
સ્વાગત પ્રવચન ગુજરાત યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે એ કર્યુ હતું. જયારે આભારવિધિ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવે કરી હતી.
